જાહેરમાં ગટરના પાણીના ફુવારા ઉડતા લોકોની હાલત પણ કફોડી
વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં ભૂખી કાંસ પાસે આવેલા વડોદરા કોર્પોરેશનના પંપિંગ સ્ટેશનના વાલ્વમાંથી લીકેજ થતા ગટરના ગંદા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. શુક્રવાર બપોરથી આ સમસ્યા ઊભી થઈ છે અને હજુ 24 કલાક થવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગંદા પાણીના ફુવારા મેન રોડ પરથી પસાર થતાં લોકો પર ચોમાસાની વાછટ જેમ ઉડે છે, જેના લીધે લોકોની હાલત પણ કફોડી બની છે. પાર્શ્વનાથ, ફર્ટીલાઈઝર નગર, સૂર્યનગર, સંતોક પાર્ક વગેરે વિસ્તારમાં આને લીધે દુર્ગંધ ફેલાઈ રહી છે. ગટરનું ઉડતું પાણી રોકવા માટે હાલ પંપિંગ બંધ કરવામાં આવ્યું છે, જેના લીધે પપીંગ બંધ થતાં આસપાસની સોસાયટીઓનુ ગટરનું પાણી ચોક અપ થઈ ગયું છે, અને ગટર બેક મારી રહી છે. વડોદરા કોર્પોરેશનમાં આ અંગે વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલાસિનિયર કોર્પોરેટરે કોર્પોરેશનમાં રજૂઆત કરતા એવો જવાબ મળ્યો હતો કે રીપેર થતાં બે દિવસ લાગશે, પરંતુ પાણીનો જે ફુવારો ઉડી રહ્યો છે તેના પર પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવશે. ગટરનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે પંપિંગ બંધ નહીં કરવામાં આવે, તેમના કહેવા મુજબ આ પંપીંગ સ્ટેશનમાં ટીપી 13, નવા યાર્ડ વગેરે વિસ્તારનું પાણી આવે છે, એટલું જ નહીં આ પપીંગ સ્ટેશનની હાલત પણ જર્જરિત બની છે. ઉપરથી પાણી ટપકે છે.વીજ મીટર ખુલ્લા થઈ
ગયા છે. ગટરનું ઉડતું પાણી નજીકમાંથી પસાર થતાં ભૂખી કાંસમાં વહી રહ્યું છે આમ પણ આ કાસમાં ગટરના પાણી છોડવામાં આવે જ છે. પંપીંગ સ્ટેશનમાં ઈજારદાર દ્વારા પૂરતા માણસ રાખવામાં આવતા નથી. હાલ વરસાદી સીઝન અને પૂર પછીની પરિસ્થિતિમાં રોગચાળાનો માહોલ છે, અને આ રીતે જાહેરમાં ગટરના પાણી ઉડે તેને લીધે આરોગ્યના પ્રશ્નો ઊભા થાય એવો ભય નજીકના સોસાયટીના લોકો વ્યક્ત કરી રહ્યા છે.
નિઝામપૂરા પંપીંગ સ્ટેશનનો વાલ્વ લીકેજ છતાં કોઈ ઉકેલ નહિ
By
Posted on