માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાવા મજબુર
ટ્રાફિક નિયમનનું પાલન કરાવતી પોલીસ પંપ માલિક સામે કાર્યવાહી કરવા નિષ્ફળ


( પ્રતિનિધી )વડોદરા,તા.15
વડોદરા શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. આડેધડ થતા પાર્કિંગ અને દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થવા લાગ્યા છે. ત્યારે, નિઝમપુરાના સીએનજી પંપ ઉપર ગેસ ભરાવા માટે આવતી ગાડીઓની લાઈનો છેક મુખ્ય રસ્તાના અડધે સુધી લાગતા આ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
સ્માર્ટ સિટી વડોદરામાં વસ્તી વિસ્તરવાની સાથે સાથે જાહેર માર્ગો સાંકડા બનતા જઈ રહ્યા છે. ગેરકાયદેસર ખડકાયેલા દબાણો અને આડેધડ પાર્ક કરાતા વાહનોના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ટ્રાફિકનું ભારણ યથાવત જોવા મળી રહ્યું છે. તેવામાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સીએનજીના પંપ ઉપર ગેસ ભરાવવા આવતા વાહનોને કારણે લાંબી લાઈનો લાગતા આ લાઈન મુખ્ય રસ્તાના અધડે સુધી પહોંચતા માર્ગ પરથી પસાર થતા બીજા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ માર્ગ પરથી દરરોજ પોતાની ફરજે જતા નીતિનભાઈએ જણાવ્યું હતું કે, સીએનજી પંપથી સામાન્ય અંતરે નજીકમાં જ સર્કલ અને ટ્રાફિક સિગ્નલ આવેલું છે. આ માર્ગ પરથી સેંકડોની સંખ્યામાં દરરોજ વાહનોની અવરજવર રહે છે. ત્યારે, ટ્રાફિક સિગ્નલ પર લાગેલા કેમેરામાં માત્ર ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકોજ કંડારાતા હશે ? શુ આ સીએનજી પંપ પર લાગતી વાહનોની લાંબી કતારો પોલીસને નજરે નથી પડતી. ટ્રાફિક પોલીસને માત્ર સામાન્ય નાગરિકોને દંડવાની પડી છે. આ પંપ પર દરરોજ આ પ્રકારે લાંબી લાઈનો લાગે છે, રસ્તો સાંકડો થઈ જાય છે. જેના કારણે ટ્રાફિકજામ થાય છે અને બીજા અવર જવર કરતા વાહનોને અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે.