Vadodara

નારેશ્વર તરફ જતા અટલાદરાના દંપતીને અકસ્માત નડ્યો, પત્નીનું મોત, પતિને ઇજા


વડોદરા તા.27
અટલાદરા વિસ્તારમાં રહેતું દંપતી કુરાલીથી નારેશ્વર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન લીલોડ ગામની પાસે ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ જતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી. જેના પગલે કારમાં બેઠેલી ચાલકની પત્નીનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. પોલીસે મહિલાની લાશનું એસએસજી હોસ્પિટલમાં પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ઈલા પાર્ક સોસાયટીમાં રહેતા રોહનકુમાર પરેશભાઈ ઠાકોર (રાજપુત) પોતાની પત્નીને કારમાં બેસાડી કાર લઈ કુરાલીથી નારેશ્વર જતા રોડ ઉપર લીલોડ ગામની સીમમા પસાર થતા હતા. તે દરમિયાન કાર ઓવર સ્પીડમાં દોડાવતા રોહન રાજપૂતે
સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી. કારમાં બેઠેલા રોહન રાજપૂત તથા પત્ની ભાવનાબેનને માથા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જેથી દંપતીને સારવાર માટે સોમા તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા ભાવનાબેનને મરણ જાહેર કર્યા હતા. જયારે રોહન રાજપૂતને સામાન્ય ઇજાઓ થતા આબાદ બચાવ થયો હતો અને સારવાર શરૂ કરાઈ હતી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે કરજણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. પોલીસે મહિલાની લાશને પીએમ કરાવવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top