Vadodara

નાયરાએ પેટ્રોલના ભાવમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 વધારી દીધા

ગુજરાતમાં ઈંધણના ‘હાઈવોલ્ટેજ ડ્રામા’ વચ્ચે ‘નાયરા’નો ભાવવધારો, અફવાઓના વંટોળમાં જનતા પર મોંઘવારીનો ડામ

આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાને પગલે ખાનગી કંપનીએ ભાવ વધાર્યો, પેટ્રોલ ₹99.34 અને ડીઝલ ₹92.76 એ પહોંચ્યું

IOCL, BPCL અને HPCL ના ભાવ હજુ પણ સ્થિર

વડોદરા : છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ખૂણેખૂણે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓએ જે પ્રકારે જોર પકડ્યું છે, તેણે સામાન્ય જનતામાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ‘ઈંધણ ખૂટી જશે’ તેવી અફવાઓના પગલે રાજ્યભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અફરાતફરીના માહોલ વચ્ચે ખાનગી ક્ષેત્રની જાયન્ટ કંપની ‘નાયરા એનર્જી’ એ ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. વૈશ્વિક સ્તરે યુદ્ધની ગંભીર સ્થિતિ અને ક્રૂડ ઓઈલના સપ્લાયમાં આવતા અવરોધોને પગલે નાયરાએ પોતાના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો જાહેર કર્યો છે. હવે નાયરાના પંપ પર પેટ્રોલ ₹99.34 અને ડીઝલ ₹92.76 ના ભાવે મળશે.રાહતની વાત એ છે કે IOCL, BPCL અને HPCL જેવી સરકારી કંપનીઓએ હજુ સુધી ભાવ વધાર્યા નથી, જેના કારણે સરકારી પંપો પર પ્રચંડ ભીડ જોવા મળી રહી છે.

યુદ્ધની સ્થિતિને કારણે ભારતને મળતા તેલના પુરવઠામાં કાપ આવશે તેવી વાતો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ હતી. પરિણામે, જે વાહનચાલકોને માત્ર ₹100નું પેટ્રોલ જોઈતું હતું, તેઓ પણ ટાંકી ફૂલ કરાવવા દોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં ઈંધણનું વેચાણ સામાન્ય દિવસો કરતા 4 ગણું વધી ગયું હતું. આ અચાનક આવેલી ડિમાન્ડને કારણે અનેક પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ ઝૂલતા જોવા મળ્યા હતા, જેણે અફવાઓને વધુ બળ પૂરું પાડ્યું હતું. આ ગંભીર સ્થિતિની ગૂંજ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં પણ સંભળાઈ હતી. વિપક્ષ દ્વારા સરકારને આ મામલે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠા શૃંખલામાં કોઈ જ ખામી નથી, માત્ર અફવાને કારણે માંગ વધી છે. તંત્ર દ્વારા પંપો પર પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવા સૂચના અપાઈ છે. બજારના જાણકારોનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા ચોક્કસ છે, પરંતુ ભારત પાસે પૂરતો બફર સ્ટોક છે. નાયરા જેવી ખાનગી કંપનીઓ પોતાના નફાના ગણિત મુજબ ભાવમાં વધ-ઘટ કરતી હોય છે, પરંતુ તેને સમગ્ર દેશની અછત સાથે જોડવી ખોટું છે. ગઈકાલ સાંજથી તંત્રની કડક દેખરેખ અને ‘પુરવઠો પૂરતો છે’ તેવી જાહેરાતો બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે.

Most Popular

To Top