એક-એક પાઈનો હિસાબ: પ્રચારના બિલો સાચવી રાખવા પડશે, ચૂંટણી બાદ અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે આદેશ
વડોદરા: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ વખતે ચૂંટણીમાં પારદર્શિતા લાવવા અને નાણાબળના પ્રભાવને રોકવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારના ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આદર્શ આચારસંહિતાના અમલ માટે રાજ્યભરમાં 15 જેટલા અલગ-અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ઉમેદવારોના ખર્ચ પર ‘વોચ’ રાખવામાં આવે.
નવા જાહેરનામા મુજબ, મહાનગરપાલિકાના કોર્પોરેટર પદના ઉમેદવાર વધુમાં વધુ 9 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય માટે 6 લાખ, નગરપાલિકાના ઉમેદવાર માટે 3.50 લાખ અને તાલુકા પંચાયતના ઉમેદવાર માટે 3 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ કરનાર ઉમેદવાર વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં લેવાની પણ જોગવાઈ છે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેક ઉમેદવારે પ્રચાર દરમિયાન કરેલા નાનામાં નાના ખર્ચના અસલ બિલો અને વાઉચરો સાથેનો સંપૂર્ણ હિસાબ નિર્ધારિત સમયમાં ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવો પડશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પ્રચારના ખર્ચનો હિસાબ રાખવામાં ચૂક કરનાર ઉમેદવારને ભવિષ્યમાં ગેરલાયક પણ ઠેરવી શકાય છે.
ચૂંટણી ખર્ચનું નવું માળખું
વડોદરા સહિત સમગ્ર ગુજરાતના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ખર્ચના અસલ બિલો સાથેનો હિસાબ નિયત ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે.
મહાનગરપાલિકા *કોર્પોરેટર: વધુમાં વધુ ₹ 9,00,000 સુધીનો ખર્ચ કરી શકશે.
*જિલ્લા પંચાયત સભ્ય: વધુમાં વધુ ₹ 6,00,000 સુધીનો ખર્ચ કરી શકશે.
*નગરપાલિકા સભ્ય: વધુમાં વધુ ₹ 3,50,000 સુધીનો ખર્ચ કરી શકશે.
*તાલુકા પંચાયત સભ્ય: વધુમાં વધુ ₹ 3,00,000 સુધીનો ખર્ચ કરી શકશે.