વડોદરાના નગરજનો હજુ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે
લોકોને ઉનાળો શરૂ થતા જ પીવાના પાણીની સમસ્યા
ઉકેલ આવશે ખરો કે સબ ચલતા હૈ નીતિ ચાલુ રહેશે?
શહેરના નાગરવાડામાં ગેટ ફળિયાના સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
આ વખતે વડોદરામાં સારો એવો વરસાદ ખાબક્યો. જો કે તંત્રની બેદરકારીને કારણે અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. ત્યારે તંત્રની આવી જ બેદરકારી હજુ પણ જોવા મળી રહી છે. આટલો વરસાદ પડ્યો છતાં હજુય વડોદરાવાસીઓને પીવા લાયક શુદ્ધ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. શહેરના નાગરવાડામાં ગેટ ફળિયું અને પટેલ ફળિયાના સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
હજુ તો ઉનાળો શરૂ થયો ત્યાં તો પીવાના પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. ટેન્કરની આગળ લાઈનો પાડીને પાણી ભરવાની નોબત આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નાગરવાડા વિસ્તારમાં ગેટ ફળિયુ અને પટેલ ફળિયુ છેલ્લા કેટલાય સમયથી પીવા માટે શુદ્ધ પાણી મળી રહ્યું નથી. પીવાના પાણીમાં ગંદુ – દુષિત પાણી આવતું હોવાથી લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ વોર્ડ ઓફીસની કચેરીએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક કાઉન્સિલરો જીતી ગયા બાદ વિસ્તારની મુલાકાત લેતા નથી. પાણીની સમસ્યાને લઈને અનેક વખત તેઓને ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કાઉન્સિલર વિસ્તારમાં પડતી સમસ્યાનો ઉકેલ લાવતા નથી.
કોર્પોરેશન દ્વારા હજુય પીવા માટે શુદ્ધ પાણી ન આપતા વિસ્તારમાં 50થી વધુ પરિવારો ને પીવાના પાણીની સમસ્યા માટે ભારે હાલાકી પડી રહી છે. જેના કારણે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે. આ સાથે જ આ સમસ્યાનું જો જલ્દી જ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.
