વડોદરા: વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થાને ઘોર આંચકો પહોંચાડતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. મા દશામાનુ વ્રત પૂર્ણ થયા બાદ ફક્ત 15 જ દિવસોમાં મા દશામાની મૂર્તિઓ, જે હજુ સુધી કુદરતી રીતે પીગળી નહોતી, તેને વડોદરા મહાનગરપાલિકાની ડમ્પર ગાડીઓ દ્વારા નંદેસરી સ્થિત એક સિમેન્ટ ફેક્ટરી ખાતે ઠાલવી દેવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહાનગરપાલિકા દ્વારા એક લેખિત આદેશ આપવામાં આવ્યો છે કે મોટા તળાવો તેમજ કૃત્રિમ તળાવો સહિત શહેરના વિવિધ સ્થળો પરથી વિસર્જિત દશામાની મૂર્તિઓને એકત્રિત કરી નંદેસરીની કંપનીના ગોડાઉનમાં પહોચાડવી. ત્યારબાદ આ મૂર્તિઓને કચરાની જેમ ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ જેસીબી મશીન દ્વારા મૂર્તિઓને ભંગ કરી પાવડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
આ સમગ્ર મામલે શહેરના મા દશામાના ભક્તોમાં ભારે રોષ પ્રસર્યો છે.

ભકતોનું કહેવું છે કે, “જે સ્વરૂપે આપણાં શ્રદ્ધા-ભાવથી બનાવેલી અને વિધિપૂર્વક વિસર્જિત કરેલી મૂર્તિઓને પુનઃ ઊપાડી આ રીતે કચરાની જેમ ઉઠાવી દેવામાં આવે છે, તે માત્ર આસ્થા સાથેનો ઉપહાસ નથી, પરંતુ માતાજીના અપમાન સમાન છે.”

સાથે જ અનેક ભક્તોએ આ મામલે સવાલ ઉઠાવ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને આ ફેક્ટરીને કેમ પસંદ કરવામાં આવી? શું કોઈ છૂપો કરાર કે ફાયદો કંપની અને મહાનગરપાલિકાને વચ્ચે થયો છે?