પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકા સેવાસદનમાં નવા આવેલા મામલતદારે બહાર નીકળવાના ગેટ પર તાળું મારી રસ્તો બંધ કરી દેતા રોજબરોજ કામ માટે આવનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવાયેલા નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ–અલગ બે ગેટની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી, છતાં મામલતદારે સત્તાનો ઉપયોગ કરી એક્ઝિટ ગેટ બંધ કરી દીધો છે.

નસવાડી તાલુકા સેવાસદનમાં તાલુકાના 210થી વધુ ગામોના લોકો વિવિધ કામ અર્થે આવે છે. તાલુકા સેવાસદન નસવાડી એસટી ડેપોથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલું હોવાથી મોટા ભાગના લોકો વાહનો લઈને આવે છે. પ્રવેશ ગેટથી વાહનો પાર્કિંગમાં મૂક્યા બાદ કામ પૂરું કરી બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટનો ઉપયોગ થતો હતો.
પરંતુ બહાર નીકળવાનો ગેટ બંધ કરી દેતા હવે વાહનચાલકોને ફરજિયાત પોતાનું વાહન પાછું વાળીને નીકળવું પડે છે. ખાસ કરીને બે વાહનો સામસામે આવી જાય ત્યારે ભારે અફડતફડ અને મુશ્કેલી સર્જાય છે. ફોર વ્હીલર વાહનો માટે પણ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.
સ્ટેટ આર એન્ડ બી વિભાગના ઇજનેરો દ્વારા બનાવાયેલી અને સરકાર દ્વારા મંજૂર કરાયેલી ડિઝાઇન મુજબ બે ગેટ રાખવામાં આવ્યા હતા, છતાં મામલતદારે આ ડિઝાઇનને ખોટી ગણાવી એક્ઝિટ ગેટ બંધ કરી દીધો છે.
આ બાબતે મામલતદારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બહાર નીકળવાનો ગેટ મેઈન રોડ પર આવતો હોવાથી અકસ્માતની શક્યતા રહે છે, તેથી ગેટ પર તાળું મારવામાં આવ્યું છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે તાલુકા સેવાસદનને બન્યા પાંચ વર્ષ થઈ ગયા છે અને તે ગામના છેવાડે આવેલું છે, જ્યાં કોઈ મુખ્ય માર્ગ કે ભારે વાહન વ્યવહાર નથી.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા બંધ કરાયેલો બહાર નીકળવાનો ગેટ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે, જેથી તાલુકા સેવાસદનમાં આવનાર લોકોને અનાવશ્યક મુશ્કેલી ન પડે.