નસવાડી: નસવાડી તાલુકાના ઝેર ગામના ખેડૂત ખેતરથી પરત આવતી વખતે કોતરમાં પાણી આવી જતા કોતર પસાર કરતી વખતે તણાઈ જતા 20 કિલોમીટર દૂર નસવાડી તાલુકાના સોઢલિયા ગામ પાસેથી લાશ મળી આવતા પોલીસ લાશનું પીએમ કરાવવા માટે નસવાડી ખાતે લાવી હતી.
નસવાડી તાલુકાના ઝેર ગામના ખેડૂત રામસીંગભાઇ ઉર્ફે નાનજીભાઈ નાયકા ઉંમર વર્ષ 45, તેઓના સંતાનોમાં બે દીકરીઓ છે અને આ બંને દીકરીઓના લગ્ન થઇ ગયા છે. પતિપત્ની એકલા ઝેર ખાતે રહેતા હતા. આ પરિવાર ખેતીકામ કરીને જીવનનિર્વાહ ચલાવતું હતું. જયારે નસવાડી તાલુકામાં 25/6/2025 ના રોજ ભારે વરસાદ પડતા કોતરોમાં પાણી આવી ગયા હતા. આ ખેડૂત ખેતરમાં કામ અર્થે ગયા હતા. પરત ઘરે આવવા માટે ગામ નજીક આવેલા કોતર ઉપર પહોંચતા પાણી ધીમી ગતિએ જતું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અચાનક કોતરમાં પાણી આવી જતા ખેડૂત તણાયા હતો. પરંતુ તેમની લાશ મળતી ના હતી. પરિવારજનો ત્રણ દિવસથી લાશ શોધતા હતા. પરંતુ લાશ મળી ના હતી.
કોતરના પાણી અશ્વિન નદી માં ભળી જતા આ ખેડૂતની લાશ નસવાડી તાલુકાના સોઢલીયા ખાતે અશ્વિન નદીમાંથી મળતા લાશ તાત્કાલિક નદીમાંથી કાઢી પોલીસ દ્વારા પીએમ માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લાવવામાં આવી હતી. આ નસવાડી તાલુકામાં વરસાદ ને લઈને પાણી માં તણાવાની પહેલી ઘટના હતી. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.