તીવ્ર પવનથી મોર અને નાની કેરીઓ જમીન પર પડી, બાગાયતી ખેતીને મોટો ફટકો
ખેડૂતોની વળતરની માંગ, કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેની જરૂરિયાત
નસવાડી, તા. 20:
નસવાડી તાલુકામાં અચાનક બદલાયેલા હવામાન અને તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવન સાથેના વાવાઝોડાએ બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને આંબાની વાડીઓમાં તૈયાર થઈ રહેલા કેરીના પાકને મોટાપાયે અસર થતાં ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, નસવાડી તાલુકામાં પાંચથી વધુ આંબાની વાડીઓ આવેલી છે, જેમાં અંદાજે 2000 જેટલા આંબાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. હાલ આંબાના વૃક્ષો પર મોર અને નાની-નાની કેરીઓ લાગેલી હતી અને ખેડૂતોને આ વર્ષે સારો પાક મળવાની આશા હતી. પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
તીવ્ર પવનના કારણે આંબાના વૃક્ષો પર લાગેલા મોર અને નાની કેરીઓ મોટી સંખ્યામાં જમીન પર પડી ગઈ છે. કેટલાક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે. પરિણામે પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, આવી પરિસ્થિતિ સતત બીજા વર્ષે સર્જાઈ રહી છે. ગત વર્ષે પણ અનિયમિત હવામાન અને પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું હતું, છતાં પૂરતું વળતર મળ્યું નહોતું, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી કૃષિ વિભાગ દ્વારા નુકસાનનો સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઉપરાંત, બાગાયતી ખેતીને બચાવવા માટે ખાસ પેકેજ જાહેર કરવાની પણ માંગ ઉઠી છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સરકાર તરફથી તાત્કાલિક મદદ મળવી જરૂરી બની છે, નહિતર બાગાયતી ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થઈ શકે છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ