નસવાડીના યુવકે પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા, તેને ત્રણ સંતાનો છે, 20 વર્ષથી ભારતનું નાગરિકત્વ મળતું નથી, દર બે વર્ષે વિઝા આપવામાં આવે છે
નસવાડી: ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓને દેશ છોડી દેવાનો આદેશ આપતા નસવાડીના એક યુવાન સામે ધર્મ સંકટ સર્જાયું છે. સરકારના આદેશ મુજબ તે પત્નીને પરત મોકલવા તો તૈયાર છે પણ પોતાના 3 બાળકો માતા વગરના થઈ જશે એવી ચિંતા તેને સતાવી રહી છે.
નસવાડીના યુવક સાથે પાકિસ્તાનની એક યુવતીએ લગ્ન કર્યા હતા. તેને ત્રણ સંતાનો છે. 20 વર્ષથી ભારતનું નાગરિકત્વ મળતું નથી. દર બે વર્ષે વિઝા આપવામાં આવે છે. હાલ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આદેશ કરતા પોલીસે આ પરિવારની તમામ વિગતો મેળવી છે
નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા નગમાનભાઈ ગફારભાઈ મેમણ હૈદરાબાદમાં ઓલ્ડસિટીમાં રહેતા હતા ત્યારે તેઓ 2005માં પાકિસ્તાનના કરાચીની બુશરાબાનુ નામની યુવતી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરીને હૈદરાબાદ ખાતે લાવ્યા હતા. તેઓના સુખી સંસાર માં બે દીકરીઓ અને એક પુત્ર છે. ત્યારે હૈદરાબાદથી બે વાર આ મહિલાએ ભારતનું નાગરિત્વ મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ તેને ભારત lનું નાગરિત્વ મળ્યું ના હતું. હાલ તો આ મહિલાને બે વર્ષના વિઝા ભારતની એમ્બેસી દ્વારા આપવામાં આવે છે. લગ્નના 20 વર્ષ વીતી જવા છતાંય તેને ભારતનું નાગરિત્વ મળ્યું નથી. આ પરિવાર હૈદરાબાદ છોડી નસવાડીના મેમનકોલોની વિસ્તાર માં હાલ રહે છે.
સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા આ મહિલાની શોધખોળ પોલીસ કરીને તમામ માહિતી એકત્રિત કરી છે. જયારે વહીવટી તંત્ર પણ સરકારના આદેશની રાહ જોઈ રહ્યું છે. પોલીસે તમામ હકીકતો મેળવીને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે. આ મહિલાને જો પાકિસ્તાન મોકલી દેવામાં આવે તો તેના ત્રણ સંતાનો ભારતીય નાગરિત્વ ધરાવે છે, જેના કારણે આ મહિલાને બાળકોને મૂકીને પાકિસ્તાન જવું પડે. સરકારે ચાર દિવસમાં પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ તો આ પરિવાર મુંઝવણમાં મુકાયું છે. હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર આ પરિવારનું ભવિષ્ય અવલંબિત છે.
પત્નીને પાકિસ્તાન મોકલવા તૈયાર પણ 3 બાળકોની ચિંતા
મહિલાના પતિ નગમાન મેમણના જણાવ્યા મુજબ ; 2005 માં લગ્ન કર્યા હતા અને 17 વર્ષ સુધી હૈદરાબાદમાં ઓલ્ડસિટી માં રહ્યો હતો. ત્યાંથી બે વાર ભારતીય નાગરિત્વ મારી પત્નીને મળે તે માટ અરજી કરી હતી. તે રદ્દ કરી દેવામાં આવી. હાલ મારી પત્નીને પાકિસ્તાન જવું હતું તેના માટે હું દિલ્લી ગયો હતો. પરંતુ બોર્ડર સીલ થઇ જતા મારી પત્ની અને બાળકો સાથે પરત આવ્યો છું જયારે મારી પત્ની ને ભારતીય નાગરિત્વ મળે તે માટે નવેસરથી છોટાઉદેપુર જિલ્લામાંથી અરજી કરીશ. હાલ તો બે વર્ષના વિઝા મારી પત્ની પાસે છે અને 2026 માં વિઝા પૂર્ણ થશે. સરકારનો જે આદેશ હશે તે માથે ચઢાવીશું અને મારી પત્નીને પાકિસ્તાન મોકલવાનો આદેશ કરશે તો અમે મોકલવા તૈયાર છીએ. મારી પત્ની જતી રહે તો મારા ત્રણ બાળકો માતા વગરના થઇ જશે.
ફોટોલાઇન ; નસવાડી ના મેમણ કૉલોની વિસ્તાર માં પાકિસ્તાન નું નાગરિત્વ ધરાવતી મહિલાના પરિવાર માં ત્રણ બાળકો અને તેના પતિ ની તસ્વીર
Show quoted text