નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.