વડોદરા:: ગતરોજ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો હતો, પરંતુ વડોદરા શહેરમાં પડેલા આ વરસાદે માત્ર વાતાવરણ જ નહીં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોમાસા પૂર્વેના ‘શૂન્ય જળબંબાકાર’ના દાવાઓની પણ પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસા પહેલા VMC દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી કે, આ વખતે વડોદરામાં ક્યાંય પાણી નહીં ભરાય અને પૂર જેવી પરિસ્થિતિ નહીં સર્જાય. જોકે, ગઇકાલે પડેલા કમોસમી વરસાદે માત્ર થોડા જ કલાકોમાં આ તમામ દાવાઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. ઠેર-ઠેર પાણી ભરાતા અનેક લોકો રસ્તા પર ફસાયા હતા, જેના કારણે નાગરિકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના જેલ રોડ વિસ્તારથી ભીમનાથ સુધીના મુખ્ય માર્ગો પર વરસાદના પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી જળસ્તર વધતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા.
સ્થિતિની ગંભીરતાને જોતા, VMCના ડેપ્યુટી એન્જિનિયર ધાર્મિક દવે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પાણીના નિકાલ માટે એક નિર્ણય લીધો હતો. પાણીના પ્રવાહને આગળ વધારવા અને ભરાયેલા પાણીને વિશ્વામિત્રી નદી તરફ વાળવા માટે એક કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી.

આ તાત્કાલિક પગલાંને કારણે વિસ્તારનું પાણી ઝડપથી ઓસર્યું હતું, અને અટવાયેલા વાહનચાલકો તેમજ સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના સ્પષ્ટ કરે છે કે વડોદરા પાલિકાનું ડ્રેનેજ આયોજન હજુ પણ ‘જુગાડ’ પર આધારિત છે, જે કાયમી ઉકેલ નથી.