પાલિકાની ચૂંટણી પૂર્વે શહેર બીજેપી સંગઠનમાં હોદ્દેદારોની નવી નિયુક્તિની તૈયારી તેજ
પ્રદેશમાંથી નિરીક્ષકો આવી સંકલન બેઠક કરશે, સાંસદ-ધારાસભ્ય અને અપેક્ષિતોને બોલાવી તેમના મત લેવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં સંગઠનની ગતિવિધિઓમાં તેજી આવી છે. મળતી માહિતી મુજબ નવેમ્બરના પ્રથમ સપ્તાહના અંતમાં પ્રદેશ કચેરીમાંથી નિરીક્ષકો વડોદરા આવશે. આ નિરીક્ષકો શહેર સંગઠન સાથે સંકલન બેઠક યોજશે. બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહેશે. બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા માટે હોદ્દેદારોની પસંદગી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તમામનું મંતવ્ય લેવામાં આવશે. આ બેઠક બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા નવેમ્બરના બીજા સપ્તાહમાં હોદ્દેદારોની નવી નિયુક્તિ થવાની સંભાવના છે. સંગઠનના મહત્વના હોદ્દાઓ માટે અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. ખાસ કરીને સત્યેન કુલાબકર, લકુલેશ ત્રિવેદી અને રાકેશ પટેલના નામ સૌથી વધુ ચર્ચાસ્પદ છે. સાથે જ હાલના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શાસક પક્ષના નેતા મનોજ પટેલના નામ પણ સંભવિત હોદ્દેદારો તરીકે ઉલ્લેખાય છે. સ્ત્રી મોરચામાં પણ હલચલ વધી રહી છે. મહિલા નેતાઓમાં હેમિશા ઠક્કર, સ્નેહલ પટેલ અને નંદા જોશીના નામો મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. સંગઠનમાં મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે દિશામાં પણ વિચારણા થઈ રહી છે.
વધુમાં, પક્ષના સૂત્રો અનુસાર એવા કાઉન્સિલરો જેમની ત્રણ ટર્મ પૂરી થઈ રહી છે, તેવા કાઉન્સિલરો હવે સંગઠનમાં સ્થાન મેળવવા માટે સક્રિય થઈ ગયા છે. આ કાઉન્સિલરો આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળે તેવી શક્યતા વચ્ચે સંગઠનના હોદ્દા દ્વારા સક્રિય ભૂમિકા જાળવવા ઇચ્છે છે. આ સમગ્ર પ્રક્રિયા વડોદરાની આવનારી પાલિકા ચૂંટણીની દિશા નક્કી કરશે એવું માનવામાં આવે છે.