પાલિકાએ નવી એરેશન સિસ્ટમ લગાવી, પરંતુ સમસ્યા ટળી નહીં
પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચાયા છતાં માછલીઓના મોતની ઘટના સર્જાઇ
વડોદરા ; શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં સતત માછલીઓના મૃત્યુની ઘટના વધુ ગંભીર બની રહી છે. પાલિકા તંત્ર દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. છતાં, સમયાંતરે અસંખ્ય માછલીઓના મોતની ઘટના નોંધાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે.

ગત ગુરુવારે પાલિકા વહીવટી તંત્ર દ્વારા વધુ કેપેસિટીવાળી સ્ટોરેજ ટેન્ક અને એર ડ્રાયર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ સાથે 2 કોમ્પ્રેસર અને 15 ડિફ્યુઝર લગાવવામાં આવ્યા હતા, જેથી તળાવમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તેવી આશા રાખવામાં આવી હતી. આગામી સપ્તાહમાં 15 વધુ ડિફ્યુઝર લગાવવાની યોજના છે.

ત્રણ દિવસ પહેલા જ નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પાણીમાં ઓક્સિજનનું જરૂરી લેવલ જળવાઈ રહેશે. જો કે, સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ ફરી એકવાર સુરસાગરમાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે.
આજે સવારે તરાપામાં બેસીને એક પછી એક મૃત માછલીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું જોવા મળ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે, એરેશન સિસ્ટમ હાઇટેક છે અને કોઈ ખામી આવે તો સીધો અધિકારીને મેસેજ જાય છે. છતાં, દાવાઓથી વિપરીત સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો જારી છે.
આ કિસ્સા પરથી ફરી એક વાર પાલિકા દ્વારા શહેરના જળાશયોની જાળવણીમાં કચાશ રાખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. હવે માછલીઓના મૃત્યુની ઘટના રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા કયા નક્કર પગલાં લેવામાં આવે છે, તે જોવાનું રહ્યું છે.