Vadodara

નવી બ્રોડગેજ લાઇન માટે રેલ્વેએ પાલિકા પાસે 0.85 હેક્ટર જમીન મફતમાં માંગી

આજવા ડેમ નજીકની નેરોગેજ લાઇનને પાલિકાની જમીન પર શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ

મિયાગામ-ડભોઇ-સમિયાલા બ્રોડગેજ લાઇન માટે વેસ્ટર્ન રેલવેને જમીન આપવા અંગે નિર્ણય લેવાશે

વડોદરા મહાનગરપાલિકા સમક્ષ આજવા ડેમ નજીકથી પસાર થતી મિયાગામ-ડભોઇ-સમિયાલા નેરોગેજ લાઇનને નવી બ્રોડગેજ લાઇન વડોદરા પાલિકાની જમીનમાં શિફ્ટ કરવાની મંજૂરી આપવાનો મુદ્દો આવ્યો છે. આ બાબતે વેસ્ટર્ન રેલવે તરફથી રજૂઆત કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા અગાઉ જણાવાયું હતું કે આજવા ડેમની નજીક નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં ફેરવવાથી ડેમની માળખાકીય મજબૂતીને નુકસાન થઈ શકે છે. તેથી ડેમના સ્ટ્રેન્થનીંગ માટે નવી બ્રોડગેજ લાઇન વડોદરા મહાનગરપાલિકાની અટાપી વિસ્તારની જમીનમાંથી પસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રેલવે તરફથી હાલની 6.05 હેક્ટર નેરોગેજ લાઇનવાળી જમીન વડોદરા મહાનગરપાલિકાને સોંપવાની અને નવી લાઇન માટે અટાપી વિસ્તારની અંદાજીત 6.85 હેક્ટર જમીનમાંથી ઉપયોગ કરવાની દરખાસ્ત છે. આમાંથી 6.05 હેક્ટર જમીન બાદ બાકી રહેલી આશરે 0.85 હેક્ટર જમીન એટલે કે અંદાજિત 2.12 વીઘા જમીન રેલવે વિભાગે મફતમાં માંગી છે. મહાનગરપાલિકાએ આ જમીન મફતમાં આપવી કે પછી તેનું મૂલ્યાંકન કરીને અથવા સરકારના નવા કાયદા મુજબ યોગ્ય વળતર મેળવવાનું નક્કી કરવાનું છે. જમીન સંપાદનમાં પારદર્શકતા અને પુનર્વસન સંબંધિત અધિનિયમ–2013 મુજબ, 2011ની જંત્રીના ચાર ગણાથી વેસ્ટર્ન રેલવે પાસેથી વળતર લેવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

તે ઉપરાંત, બ્રોડગેજ લાઇનમાં આવતી ખાનગી માલિકીની જમીન રેલવે વિભાગે જ સંપાદન કરવાની રહેશે. અટાપી વિસ્તારમાં આવેલી કંપાઉન્ડ વોલ દૂર કરવાની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે. તેમજ ફોરેસ્ટ વિભાગની જમીનમાં આવતાં આશરે 20 હજાર વૃક્ષો કાપવા માટે પાર્કસ એન્ડ ગાર્ડન શાખા મારફતે મંજૂરી મેળવવી પડશે. આ મુદ્દે નેરોગેજ લાઇનની 6.05 હેક્ટર જમીન પાલિકાને સોંપવાની, નવી બ્રોડગેજ લાઇન માટે પાલિકાની 6.85 હેક્ટર જમીન ઉપયોગ કરવાની અને વધારાની 0.85 હેક્ટર જમીન અંગે વળતર કે મફત આપવાના મુદ્દે નિર્ણય લેવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.

Most Popular

To Top