આ સન્માન તેમના અનેક વર્ષોથી ચાલી રહેલા નિસ્વાર્થ સમાજસેવા, રાષ્ટ્રસેવા તથા દિન-દુઃખીયાની સેવા માટેના અવિરત પ્રયાસોના પ્રતિફળરૂપે અપાયુ
(પ્રતિનિધિ)
નવી દિલ્હી ખાતે ભારત મંડપમના ભવ્ય પ્રાંગણમાં ગજાનન આશ્રમ માલસરના પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટ – ઇંગ્લેન્ડ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમના અનેક વર્ષોથી ચાલી રહેલા નિસ્વાર્થ સમાજસેવા, રાષ્ટ્રસેવા તથા દિન-દુઃખીયાની સેવા માટેના અવિરત પ્રયાસોના પ્રતિફળરૂપે આપવામાં આવ્યું છે.

પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશી છેલ્લા ઘણા સમયથી આધ્યાત્મિકતા સાથે સમાજ કલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. ગજાનન આશ્રમ માલસર દ્વારા તેઓ નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા ચલાવે છે, જેમાં વિદ્યાર્થીઓને વૈદિક જ્ઞાન, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિની ઊંડી સમજ આપવામાં આવે છે. પર્યાવરણ અને પ્રકૃતિના શુદ્ધિકરણ માટે વૈદિક યજ્ઞોનું નિયમિત આયોજન કરી તેઓ પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ આપી રહ્યા છે.

આ ઉપરાંત પૂજ્ય ગુરુજીના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં વૃદ્ધોને માનભેર જીવન જીવવાની સુવિધા મળે છે. કન્યા સહાય યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને સહાય આપવામાં આવે છે. નિઃશુલ્ક ચિકિત્સાલય મારફતે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે, જ્યારે વ્યસન મુક્તિ અભિયાન દ્વારા યુવાનો અને સમાજને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રિકો અને વાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરીને પૂજ્ય ગુરુજી માનવ સેવાને ધર્મ સમજી આગળ વધે છે. ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવા માટે તેઓ સતત પ્રવૃત્ત રહે છે, જેનાથી રાષ્ટ્ર વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ બની રહ્યું છે.

આ ભવ્ય એવોર્ડ સ્વીકારતાં પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીએ આ સન્માનને ગજાનન આશ્રમ પરિવારને સમર્પિત કર્યું હતું અને જણાવ્યું હતું કે, “આ સન્માન એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર આશ્રમ પરિવાર, સેવાભાવી કાર્યકરો અને સહયોગીઓનું છે, જેમણે દરેક કાર્યમાં નિસ્વાર્થ ભાવથી સાથ આપ્યો છે.”
ઉલ્લેખનીય છે કે પૂજ્ય ગુરુજી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભારતીય વૈદિક સંસ્કૃતિ મુજબ પૂજા-યજ્ઞો, ધાર્મિક અનુષ્ઠાનો અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા અનેક લોકોને માર્ગદર્શન અને સકારાત્મક પરિણામો આપી ચૂક્યા છે. તેમના સેવાકાર્યો અને આધ્યાત્મિક માર્ગદર્શનને કારણે લોકોના હૃદયમાં તેમણે આગવું અને માનભર્યું સ્થાન મેળવ્યું છે.
નવી દિલ્હીમાં મળેલ આ આંતરરાષ્ટ્રીય સ્તરના સન્માને ગજાનન આશ્રમ માલસર તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ફેલાઈ છે અને તેમના સેવાકાર્યોને નવી ઊર્જા તથા પ્રેરણા મળી છે.