નિસર્ગ કોમ્પ્લેક્સ આસપાસ દબાણોને પગલે સ્થાનિકોને તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણોનો સફાયો કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો

વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં દિવાળીપુરા ખાતે આવેલી નવી કોર્ટ સામે નિસર્ગ કોમ્પ્લેક્સ આસપાસ કેબીનો અને કાઉન્ટરો સહિત અન્ય હંગામી દબાણો હટાવીને પાલિકા તંત્રએ એક ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવી કોર્ટ ની સામે ગેરકાયદે દબાણમાં કેટલાક લોકોએ કેબીનો સહિત કાઉન્ટરો મૂકીને ખાણી પીણી સહિત અન્ય ચીજ વસ્તુઓનો વેપાર ધંધો શરૂ કરી દીધો હતો. આ વિસ્તારના નિસર્ગ કોમ્પ્લેક્સ આસપાસ થયેલા આ દબાણો અંગે સ્થાનિક રહીશોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. આ અંગે પાલિકા કચેરીએ આવેલી ફરિયાદના અનુસંધાનમાં દબાણ શાખાની ટીમે નિસર્ગ કોમ્પ્લેક્સની આસપાસના તમામ દબાણોનો સફાયો કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.