Vadodara

નવા શૈક્ષણિક વર્ષથી ધો.1થી 11માં જુદા જુદા નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લાગુ કરાશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પ્રોગ્રામ લેગ્વેજ જેવા વિષયોનો સમાવેશ

13 વર્ષ પછી એકસાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં પણ પુસ્તકો બદલાશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

પ્રાથમિકથી લઇને માધ્યમિક સુધીના વિવિધ માધ્યમોમાં વર્ષ 2026-27માં જુદા જુદા 32 પાઠ્યપુસ્તકોમાં સંપૂર્ણ ફેરબદલ કરી દેવામાં આવ્યો છે. અમલમાં લાવવામાં આવેલા નવા પુસ્તકોમાં ભાષા,ગણિત અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પુસ્તકો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પ્રોગ્રામ લેગ્વેંજના વિષયોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે ધો.1થી 11ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. વર્તમાન પરિસ્થિતિને અનુકુળ હોય તેવા વિષયો દાખલ કરીને જૂના વિષયો રદ કરવામાં આવતાં હોય છે. વર્ષ 2026-27માં જુદા જુદા ધોરણોના અંદાજે 32 પુસ્તકોમાં મોટાપાયે ફેરબદલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે,ધો.9 અને 11માં વર્ષ 2013–14માં નવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ આજ પુસ્તકો ભણાવવામાં આવી રહ્યા છે. હવે પછી અંદાજે 13 વર્ષ પછી અત્યાધુનિક પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષય પર પહેલી વખત દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિભાગમાં ધો.2માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષામાં વાચનમાળા નામનું પુસ્તક અને ધો.3માં ગણિત મેળો અને આપણી અદ્દભૂત દૂનિયા (પર્યાવરણ) જેવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. આજ રીતે ધો.6માં ગણિત પ્રકાશ અને વિજ્ઞાનમાં કુતુહલ નામના પુસ્તકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, આ પુસ્તકો માત્ર ગુજરાતી માધ્યમમાં નહી પરંતુ અંગ્રેજી માધ્યમમાં પણ સમાન પધ્ધતિથી 32 જેટલા પુસ્તકો લાગુ કરવામાં આવશે. ધો.7 અને 8માં અંગ્રેજી અને હિન્દી માધ્યમના પુસ્તકોમાં શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા ના પાયાના મૂલ્યો જેવું પુસ્તક દાખલ કરીને વિદ્યાર્થીઓમાં નૈતિક્તાના મુલ્યો વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં ધો.6થી 8માં શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા એક સમાન પુસ્તક ભણાવવામાં આવતું હતુ. પરંતુ હવે આગામી વર્ષથી ધો.7માં દરેકમાં આ લાગુ કરવામાં આવશે.ધો.6 અંગ્રેજી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન અને સાયન્સ, મેથ્સમાં પણ નવા પુસ્તકો લાગુ કરવામાં આવશે. આજ રીતે ધો.7માં અંગ્રેજી માધ્યમમાં શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા અને ધો.9 અને 11માં કોમ્પ્યુટર વિષય લાગુ કરવામાં આવશે. ધો.3 અંગ્રેજી માધ્યમાં સંતૂર, મેથ્સ મેલા અને અવર વંડર્સ વર્લ્ડ જેવા પુસ્તકો લાગુ કરવામાં આવ્યા છે.

ડ્રોપ આઉટ-વિદ્યાર્થીઓને અભ્યાસ છોડતા રોકવા સરકારની કવાયત

આવતા વર્ષથી ઓપન એજ્યુકેશન શરૂ થશે. જેથી વિદ્યાર્થીઓને પાસ થવાનો વધારાનો એક મોકો મળશે. દરેક હાયર સેકન્ડરી સ્કૂલોમાં ઓપન એજ્યુકેશન સેન્ટર ખોલવામાં આવશે. આ સેન્ટરોમાં નિયમિત હાજરી જરૂરી નથી. જો કોઈ બાળક સામાન્ય શિક્ષણમાં ફેલ થયું તો તેને ઓપન એજ્યુકેશનમાં પ્રવેશ અપાવી પાસ કરાવી શકાશે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને બીજી તક આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસ છોડતા રોકવાનો અને તેમને શિક્ષણમાં પાછા લાવવાનો છે.

Most Popular

To Top