Vadodara

નવા યાર્ડના રહિશો ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાસી ગયા

વડોદરાના નવાયાર્ડ ખાટકીવાડ વિસ્તારના સ્થાનિકો ઉભરાતી ગટરના કારણે ત્રાસી ગયા છે. ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાંય નિકાલ ન આવતા આખરે વિરોધના માર્ગે ઉતર્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ પણ આ સમસ્યા મામલે મેદાને આવ્યા છે અને વિરોધ નોંધાવી ઝડપથી નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

શહેરના નવાયાર્ડ વિસ્તારના ખાટકીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઊભરાવાની સમસ્યા છે.
આ સમસ્યાના કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ગટરમાંથી ઉભરાતું ગંદુ પાણી બીમારીઓને આવકારે છે. સ્થાનિકો નર્કાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. મકાનોમાં ગટરના પાણી ભરાયા છે. સ્થાનિકોને બીમારી ફેલાવવાનો ભય છે. અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ પાલિકાની નબળી કામગીરીના કારણે આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે વોર્ડ.1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે અધિકારીઓને રજૂઆત કરી અને જો આ સમસ્યાનું જલ્દી નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયોનો પવિત્ર મોહરમનો તહેવાર હોવાથી જલ્દી ગટરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જહા ભરવાડે અધિકારીઓને રજૂઆત કરી હતી.

Most Popular

To Top