વિભાગો વચ્ચે સંકલનના અભાવથી વિકાસના દાવા પોકળ, નાગરિકોને રોજબરોજની મુશ્કેલી
લાખો રૂપિયાના ખર્ચ પછી પણ કામની ગુણવત્તા અને આયોજન પર સવાલ
વડોદરા : શહેરમાં વિકાસના દાવા વચ્ચે ફરી એકવાર મહાનગર પાલિકાના વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારેલીબાગમાં આર્યકન્યા જતો રોડ પર થોડા દિવસ પહેલાં જ નવો કાર્પેટ રોડ બનાવાયો હતો, પરંતુ પાણી પુરવઠા વિભાગે આજે ત્યાં ફરીથી રોડ ખોદી નાખતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
નાગરિકોનું કહેવું છે કે, રોડ બનાવવા લાખો રૂપિયા ખર્ચાય છે, પણ થોડા જ સમયમાં બીજી શાખા દ્વારા રોડ ફરી ખોદી નાખવામાં આવે છે. આવી બેદરકારીથી પ્રજાના ટેક્સના રૂપિયા વ્યર્થ જાય છે, જેનાથી લોકોમાં ગુસ્સો છે.
આવા બિનમુલ્યવાન આયોજનથી શહેરના વિકાસના દાવા પોકળ સાબિત થાય છે અને નાગરિકોને રોજબરોજની અવરજવર, વાહનવ્યવહાર અને ધૂળમાટીના કારણે તકલીફો સહન કરવી પડે છે.
નાગરિકો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પાલિકા તંત્રને વિભાગો વચ્ચે યોગ્ય સંકલન અને આયોજનથી જ કામગીરી કરવાની માગ કરી છે.
અધિકારીઓની બેદરકારી અને બુદ્ધિ પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એકજ વિસ્તારની કામગીરી વારંવાર કરવાની ફરજ પડે છે. શહેરના વિકાસ માટે ફાળવાતા કરોડો રૂપિયાનું યોગ્ય ઉપયોગ થાય અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધા મળે, તેવી લોકોમાં માંગ ઉઠી છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ સમસ્યાઓ જોવા મળે છે, જ્યાં પેચ વર્ક માત્ર દેખાડા માટે કરવામાં આવે છે અને ભારે વાહન ચાલતા રોડ તૂટી જાય છે.
વડોદરા શહેર ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ હોવા છતાં, આવા વહીવટી અભાવથી તેની પ્રતિષ્ઠા પર અસર પડે છે.
વડોદરા મહાનગર પાલિકાના વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે નાગરિકોને અસુવિધા, ટેક્સના રૂપિયાનો વેડફાટ અને વહીવટી બેદરકારીનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકો હવે પાલિકા તંત્ર પાસે જવાબદારી અને યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે.