પંજાબ રોલિંગ નજીક બાઈક સ્લીપ થતાં અકસ્માતની આશંકા, 108 દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
વડોદરા, તા. 30:
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પંજાબ રોલિંગ નજીક રવિવારે રાત્રિના સમયે એક યુવક લોહીલુહાણ હાલતમાં જોવા મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવકની સ્થિતિ ગંભીર જણાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પોલીસને જાણ કરવામાં આવ્યા છતાં સમયસર પોલીસ સ્થળ પર નહીં પહોંચતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને રાત્રિના સમયે પૂરતી પેટ્રોલિંગ ન થતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકની બાઈક સ્લીપ ખાઈ જતા તે રોડ પર જોરદાર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.