ગડદાપાટુનો માર મારતાં મહિલા ને ડાબા આંખ પર ઇજા તેમજ જમણા હાથના ખભાના કેલ્વિકલ ભાગે ફ્રેકચર થયું
સમગ્ર મામલે ફતેગંજ પોલીસે ચાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મહિલા સામાજિક કાર્યકર અને તેમના પતિને રવિવારે સામેના ફ્લેટમાં રહેતા દંપતીએ “તારે અહીં નેતાગીરી નહિ કરવાની” તેમ કહી ઝઘડો કર્યો હતો અને બીજા બે લોકો સાથે મળીને દંપતીને ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં સામાજિક કાર્યકર મહિલાને ડાબા આંખના ભાગે તેમજ જમણા હાથના ખભાના હાડકાં (કેલ્વિકલ) ના ભાગે ફ્રેકચર થયું હતું આ સમગ્ર મામલે ચાર ઇસમો વિરૂધ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા અમરનગર સામે વિનાયક કોમ્પલેક્ષમા ઉષાબેન કમલેશકુમાર ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે અને સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરે છે તેમના પતિ એલ આઇ સી એજન્ટ છે ગત તા.23 માર્ચે તેમના સાત વર્ષીય દીકરા વિયાનનો જન્મદિવસ હોય તેઓ સવારે મંદિર ગયા હતા અને સવારે તેઓ પરિવાર સાથે બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન વિનાયક ગ્રાઉન્ડ ફ્લોર પર સામેના ફ્લેટમાં રહેતા જયેશ ભાઇલાલ પરમાર અને તેમના પત્ની બબીતાબેન બહારથી આવી અચાનક કમલેશ ચૌહાણને “તારે અહીં નેતાગીરી નહિ કરવાની” તેમ જણાવી અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા તેટલામાં શિવમ સોસાયટી ટી.પી.13મા રહેતા દિનેશ સોમાભાઇ પરમાર, તથા અમરનગરમા રહેતા નગીનભાઇ સોમાભાઇ પરમાર, લલીતાબેને ગડદાપાટુનો માર માર્યો હતો તથા જયેશભાઇએ મૂક્કો મારતાં ઉષાબેનને ડાબા આંખે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે દિનેશભાઇ અને નગીનભાઇએ કમલેશ ચૌહાણને માર મારતાં ઉષાબેન બચાવવા જતાં બબીતાબેને ધક્કો માર્યો હતો જેમાં ઉષાબેન પડી જતાં તેમને ખભાના હાડકાં (કેલ્વિકલ) ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું આ સમગ્ર મામલે ઉષાબેને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જયેશ ભાઇલાલભાઇ, બબીતા ભાઇલાલભાઇ, દિનેશભાઇ અને નગીનભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
