Vadodara

નવાયાર્ડની ‘દિવ્યા ગેસ એજન્સી’માં બોર્ડ પર ‘મનાઈ’ અને પાછલા બારણે ‘સિલિન્ડરનું વિતરણ

વડોદરામાં ગેસ એજન્સીની ‘બેધારી’ નીતિ ખુલ્લી પડી, ગોડાઉન પર જ નિયમોના લીરેલીરા ઊડ્યા
ગ્રાહકોએ મચાવ્યો હોબાળો

(પ્રતિનિધિ), વડોદરા. તા.19

વડોદરા :- શહેરના નવાયાર્ડ રામવાડી વિસ્તારમાં આવેલી ‘દિવ્યા ગેસ એજન્સી’ હાલ વિવાદોમાં સપડાઈ છે. એજન્સી દ્વારા સરકારી નિયમો અને પોતાના જ જાહેર કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગ્રાહકો દ્વારા એજન્સીની પોલ ખોલવામાં આવી છે. દિવ્યા ગેસ એજન્સીના ગોડાઉન પર સ્પષ્ટ અક્ષરોમાં બોર્ડ મારવામાં આવ્યું છે કે, “ગોડાઉન પરથી ગેસ સિલિન્ડર આપવામાં આવશે નહીં.” સુરક્ષા અને નિયમોના ભાગરૂપે ગેસ એજન્સીઓએ ગ્રાહકોને ઘરે જ ડિલિવરી આપવાની હોય છે. આમ છતાં, આ એજન્સી દ્વારા બોર્ડ પર લખાયેલી સૂચનાથી વિપરીત કામગીરી કરવામાં આવી રહી છે.

સ્થાનિક સ્તરે સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે અનેક લોકો એજન્સીના ગોડાઉન પરથી જાતે જ ગેસના બાટલા લઈ જતા નજરે પડ્યા છે. ગ્રાહકોએ આ અંગે હોબાળો મચાવ્યો હતો અને એજન્સીની બેધારી નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. એક તરફ બોર્ડ મારીને મનાઈ કરવામાં આવે છે, તો બીજી તરફ ચોર રસ્તે કે નિયમોનો ભંગ કરીને સિલિન્ડરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તે તપાસનો વિષય છે.

ગોડાઉન પરથી સીધું વિતરણ કરવું એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે. વાહનો પર જોખમી રીતે બાટલા લઈ જવાથી અકસ્માતનો ભય રહે છે. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પુરવઠા વિભાગ આ ગેસ એજન્સી સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top