પાણીના ઓછા પ્રેશરથી નાગરિકોમાં રોષ લાલબાગ પાણીની ટાંકી પર કોંગી નેતા બાળુ સુર્વેનું નિરીક્ષણ
નવાપુરા, દંતેશ્વર, માંજલપુર સહિત 7 ઝોનમાં પાણીની કળતરની ફરિયાદો; તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ, કમિશનરને રજૂઆત
વડોદરા : શહેરના લાલબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી નવાપુરા, દંતેશ્વર, લાલબાગ, માંજલપુર સહિતના 7 ઝોનમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી મળતું ન હોવાની ફરિયાદો સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવી રહી છે. વોર્ડ નંબર ૧૩ના અનેક વિસ્તારોમાં પાણીનું પ્રેશર સતત ઓછું રહે છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાને લઈને કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ લાલબાગ પાણીની ટાંકીની સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ સામે આક્ષેપ કર્યો કે પુરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થતું નથી અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓએ પાણી લાઇનમાં મહીસાગર પાસે કચરો ભરાવાનું કારણ આપ્યું હતું, જેના કારણે પાણીની આવક ઘટી છે.
બાળુ સુર્વેએ તંત્રને પાણીનું લેવલ મેન્ટેન કરવા, લાઇનની સફાઈ અને સમસ્યા તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે. સાથે જ, મ્યુનિસિપલ કમિશનરને પણ કડક વલણ અપનાવી, પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો લાવવા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પાણીની અછતને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તમામ વિસ્તારોમાં નિયમિત અને પૂરતા દબાણથી પાણી પહોંચે તેવી જોરદાર માંગ ઉઠી છે.