સ્થાનિકોનો દાવો પાંચ વર્ષ પહેલા નવી લાઇન નાખવામાં આવી, હવે ફરીથી નવી લાઇન નાખવાની જરૂરિયાત અને ખર્ચ સામે સવાલ

વડોદરા: વડોદરાના નવાપુરા વિસ્તારમાં પીવાના પાણીની દૂષિતતા અને ડ્રેનેજની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે, જેના કારણે સ્થાનિકોને સતત શુદ્ધ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. હાલમાં, આ સમસ્યાનું સમાધાન કરવા પાલિકા દ્વારા નવી પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સ્થાનિકો આ લાઇન નાંખવાની યથાર્થતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોના મતે, આશરે પાંચ વર્ષ પહેલાં જ નવી પાણીની લાઇન નાખવામાં આવી હતી, અને હવે ફોલ્ટ શોધીને તેની સમસ્યા દૂર કરવાને બદલે સીધી નવી લાઇન નાખવાના નિર્ણયથી ખર્ચ અને કામગીરીની જરૂરિયાત સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક નેતા કૈલાસ સૂર્યવંશીએ આ કામગીરીની યોગ્યતા અને ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોના મતે, આટલો ખર્ચ અને સમય ફરી નવી લાઇન નાખવા માટે વાપરવાને બદલે પાલિકાએ પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી લાઇનની સમસ્યા શોધીને તેનું નિવારણ કરવું જોઈએ.
નવાપુરા વિસ્તારના સ્થાનિકો પાલિકાના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે, પ્રાથમિક સુવિધાઓની જાળવણી અને સમયસર સમાધાન માટે વધુ કાર્યક્ષમ અને પારદર્શી પગલાં લેવામાં આવે.
