વડોદરા શહેરમાં ગુરુવારે મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થયા બાદ શુક્રવાર સવારથી નવાપુરા વિસ્તારમાં તોફાની તત્વોને જેર કરવા પોલીસનાં ધાડા ઉતરી પડ્યા હતા અને ઘરે ઘરે ફરીને કોંમ્બિંગ કરવામાં આવ્યું હતું.આ ઘટનામાં 11 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એક જૂથના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા ત્યારે તેમની ઉપર એક અન્ય કોમના ટોળાએ હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટના એમ છે કે, પાદરાના એક યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. પાદરાના આ શહીદ પટેલે ભગવાન શ્રી રામ ઉપર અભદ્ર ટિપ્પણી પણ કરી હતી.
ભગવાન શ્રી રામ ઉપર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરાતા અન્ય કોમના લોકોની લાગણી દુભાઈ હતી. ત્યાર બાદ તેઓ સમગ્ર બાબતનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી આરોપીના ધરપકડની માંગ કરતા હતા. નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલા ટોળા ઉપર પત્થરમારો કરવામાં આવ્યો હતો.
રાત્રે પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો, પરંતુ આજે શુક્રવાર હોવાથી તોફાની તત્વો બીજી કોઈ હરકત ના કરે તે માટે પોલીસ સવારથી એકશનમાં આવી હતી. નવાપુરા વિસ્તારમાં શંકાસ્પદ લોકોના ઘરે ઘરે પહોંચીને પોલીસે તોફાનીઓને શોધવાનું શરૂ કર્યું હતું. કેટલાક ઘરોમાં પહોંચેલી પોલીસ સાથે મહિલાઓના ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગતમોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રથમ મોબાઇલ સ્ટોર ચાલક અને ત્યાર બાદ પથ્થર મારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદ લઇને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી ફરિયાદ દોઢસો જેટલા લોકોના ટોળા સામે કરવામાં આવી છે. બંને મામલે મળીને અત્યાર સુધી 11 આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવા મામલે ડીસીપી ઝોન – 2 અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઇલ એસેસરીઝની દુકાન આવેલી છે.દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઇવ સ્ટ્રીમીંગ કરતા હતા. તે વખતે કોઇ શખ્સે લાઇવ સ્ટ્રીમીંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી. જે સંદર્ભે અમને અરજી મળી હતી. તે સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમીંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.હાલ સંવેદનશીલ પોઇન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે. કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે. કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે.