નવસારી : નવસારી (Navsari) દશેરા ટેકરીમાં જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થતા પતિએ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે.નવસારી દશેરા ટેકરી સ્થિત રેલરાહત લોકોનીમાં ભીખુભાઈ ધીરૂભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 28મીએ ભીખુભાઈનો ઘરે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઇ હતી. જેથી ભીખુભાઈને ખોટું લાગતા તેમણે ઘરે બાથરૂમના અંદર લેસિંગ દ્વારા સિમેન્ટની બારસટ સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે મૃતકની પત્ની આશાબેને નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. નીમેષભાઈને સોંપી છે.
આમરી ગામે તળાવ પાસે બેસેલા આધેડને ચક્કર આવતા ડૂબી જતા મોત
નવસારી : આમરી ગામે તળાવના કિનારે બેસેલા આધેડને ચક્કર આવતા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. નવસારી તાલુકાના આમરી ગામે તળાવ ફળીયામાં સુમનભાઈ નગીનભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 29મીએ સુમનભાઈ ગામમાં આવેલા તળાવના કિનારે બેસેલા હતા. તે વખતે સુમનભાઈને અચાનક ચક્કર આવતા તળાવના પાણીમાં પડ્યા હતા. અને તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. દરમિયાન ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની કૈલાશબેન રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. જયેશભાઈને સોંપી છે.
આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત નીપજયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ધારાગીરી ગામે હરકિશનભાઈ દયાળજીભાઈ સુરતી તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 28મીએ તેઓ સાંજે ચાલવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતાં. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આગળની તપાસ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.