કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ, પર્યાવરણને નુકસાન
પાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ
વિસર્જન તળાવમાં સફાઈનો અભાવ
( પ્રતિનિધિ ) વડોદરા, તા.15
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શ્રીજી તથા દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવેલા આ તળાવમાં લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં ગંદકી, કચરો અને દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચી રહી છે.
લાકડાં અને ફૂલોનો કચરો તળાવમાં પડ્યો

નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન બાદ લાકડાં, ફૂલો સહિતનો કચરો પાણીમાં તેમજ તળાવની બહાર છૂટો પડેલો જોવા મળી રહ્યો છે. આ કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે.
સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ

તળાવની હાલતને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એક તરફ વડોદરા મહાનગર પાલિકા શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે બીજી તરફ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોની યોગ્ય સંભાળ લેવામાં સંપૂર્ણ નિષ્ક્રિયતા દાખવી રહી છે.
વિસર્જન બાદ વ્યવસ્થાઓ ભુલાઈ

ગણેશ ઉત્સવ અને દશામા પર્વ બાદ પ્રતિમાઓનું સીધું તળાવોમાં વિસર્જન બંધ રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. વિસર્જન પૂર્વે પાલિકા દ્વારા પ્લાસ્ટિક પાથરવું, ચોખ્ખું પાણી ભરવું, તળાવ ફરતે સ્વચ્છતા અને દવા છંટકાવ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પરંતુ વિસર્જન પૂર્ણ થયા બાદ આ તમામ વ્યવસ્થાઓ જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
તાત્કાલિક પગલાં લેવાની માંગ

સ્થાનિક લોકોએ વડોદરા મહાનગર પાલિકાને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓની લાગણીઓને માન આપીને તાત્કાલિક કૃત્રિમ તળાવની સફાઈ, કચરાનો યોગ્ય નિકાલ અને દુર્ગંધ નિવારણ માટે જરૂરી પગલાં લેવામાં આવે, જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને ધાર્મિક આસ્થાનું સન્માન જળવાઈ રહે.