59 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા, 132 ગરબા સ્ટોલ પર પણ તપાસ
વડોદરા શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ કામગીરી હેઠળ તરસાલી, ગોત્રી, આર.વી. દેસાઈ રોડ, નિઝામપુરા, પાણીગેટ, અકોટા, મુજમહુડા, પ્રતાપનગર ઓએનજીસી ગેટ, ન્યૂ સમા રોડ, માર્કેટ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર, છીપવાડ વગેરે વિસ્તારોમાં 28 યુનિટ્સ પર કુલ ૫૨ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જીરુ, મગદાળ, હળદર પાવડર, ચટણી, પામોલીન, ચાટ મસાલો, બેસન, મોતીચુરના લાડુ, કેસરી પેંડા, સમોસાનો મસાલો, ગરમ મસાલો, ગાયનું દૂધ, ઘી, મરચું પાવડર, પનીર, કાજુ કતરી, કપાસીયા તેલ, સિંગતેલ, સરસિયું તેલ, કોપરેલ તેલ, મકાઈનું તેલ, ખાંડ, ચા, ચણાદાળ, તુવેરદાળ, ફાફડા, જલેબી, બેસનના લાડુ, અંજીર કલાકંદ, સેવ, ફરાળી ચેવડો, મેથી, ગાઠીયા, ફૂલવડી, રિફાઇન્ડ કોટનસીડ તેલ, મેંગો બરફી, કાજુ કતરી, અંજીર કતરી, ગ્રીન બરફી, સેવ બરફી, અંજીર અખરોટ હલવો, કાઠિયાવાડી પેંડા, અંગુરી પેંડા, તલનું તેલ, કેસરી બરફી, મલાઈ પેંડા જેવા કુલ 59 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
શહેરની મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ગ્રાહકોને પારદર્શક માહિતી આપવા માટે માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ અને સિંગતેલ જેવા માધ્યમોના નામ દર્શાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન ગરબાના મેદાનોમાં ઉભેલા ખાણીપીણીના સ્ટોલ પર પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી. યુનાઈટેડ-વે ગરબા ગ્રાઉન્ડ ખાતે 57 સ્ટોલ, નવલખી ખાતે 35 સ્ટોલ અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે 40 સ્ટોલ મળી કુલ 132 ફુડ સ્ટોલ પર ચેકિંગ થયું. અહીં ફુડ બિઝનેસ ઓપરેટર્સ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ લાઈસન્સ/રજીસ્ટ્રેશન છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 તથા નિયમો–2011 મુજબ હાથ ધરવામાં આવી છે. તેમજ ફુડ બિઝનેસ ઓપરેટરોને શેડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી છે.