Shinor

નર્મદા સ્નાન દરમિયાન દુર્ઘટના: પરિક્રમા માટે આવેલો ૨૧ વર્ષીય યુવક વહેણમાં તણાયો

મિત્રોને તરતા ન આવડતાં બચાવ અશક્ય બન્યો, ૧૧૨ પર કોલ બાદ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ
કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં શોધખોળ યથાવત, વિસ્તારમાં શોકનો માહોલ

શિનોર, તા. 22
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અંબાલી ગામ નજીક આવેલી શ્રી માં આશ્રમ ખાતે નર્મદા પરિક્રમા માટે આવેલા મિત્રોના સંઘ સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલો ૨૧ વર્ષીય યુવક અચાનક જોરદાર વહેણમાં તણાઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ તા. 21/03/2026ના રોજ આશરે બાર જેટલા મિત્રોનો સંઘ ઉત્તરવાહિની નર્મદા મૈયાની પંચકોષી પરિક્રમા માટે અંબાલી ગામે આવેલા શ્રી માં આશ્રમ ખાતે રોકાયો હતો. તા. 22/03/2026ના રોજ રાત્રે પરિક્રમા શરૂ કરવાની યોજના મુજબ સવારે તેઓ નજીક આવેલા અનસુયા મંદિર પાસે મનમંથેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મંદિરમાં સાફસૂફી અને પૂજા અર્ચના કર્યા બાદ મિત્રો નર્મદા સ્નાન માટે નદી કિનારે ગયા હતા.
આ દરમિયાન બે-ત્રણ મિત્રો નદીમાં ન્હાવા ઉતર્યા હતા, ત્યારે એક યુવક અચાનક નદીના જોરદાર વહેણમાં તણાઈ ગયો હતો. અન્ય મિત્રો તરતા ન આવડતાં તેઓ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઘટના બનતાં જ મિત્રો દ્વારા તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં અંબાલી ગામના સરપંચ સ્થળ પર પહોંચ્યા હતા અને શિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાથે જ કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુ કામગીરી માટે બોલાવવામાં આવી હતી અને નદીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. આગળની કાર્યવાહી શિનોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top