શિનોર:
ઉપરવાસમાં વરસાદ ને લઈ સરદાર સરોવર માં પાણીની સતત આવક થતા તંત્ર દ્રારા નર્મદા ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવર ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલી 3,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આના કારણે વડોદરાના શિનોર , કરજણ તાલુકાના નર્મદા નદી કિનારે આવતા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
શિનોરના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો માલસર, માંડવા, અંબાલી, ઝાંઝડ, સુરાશામળ, બરકાલ, બીથલી, દરિયાપુરા, મોલેથા, કંજેઠા, મીંઢોળ નર્મદા નદીના પાણીથી પ્રભાવિત થતા શિનોર તાલુકાના 11 ગામોના તલાટી તેમજ સરપંચોને શિનોર મામલતદાર મુકેશ બારીયા દ્વારા ખડે પગે રહેવાની સૂચના અપાઈ છે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેના ભાગરૂપે તંત્ર દ્રારા પોલીસ ગોઠવવામાં આવ્યા છે. શિનોર મામલતદારે શિનોરની જાહેર જનતાને નર્મદા નદી કાંઠે ન જવા અપીલ કરી છે.

કરજણ નારેશ્વર નર્મદા નદીના ઘાટના અંદાજિત 60 પગથિયાંમાંથી 12 જેટલા પગથિયાં નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા છે.
જ્યારે શિનોર નર્મદા નદી કિનારે આવેલા ભંડારેશ્વર મહાદેવ મંદિરના ઘાટના અંદાજિત 100 જેટલા પગથિયાંમાંથી અંદાજિત 50 જેટલા પગથિયાં નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા છે. શિનોર નર્મદા નદીના પાણીમાં જોવા કરંટ જોવા મળ્યો છે. જ્યારે શિનોર ના માલસર શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરના ઘાટે નર્મદા નદીના પાણીનો વધારો જોવા મળ્યો છે.