નડિયાદમાં તાપમાનનો પારો 36 ડીગ્રીએ પહોંચ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.21
નડિયાદ સહિત ખેડા જિલ્લાભરમાં ભર ચોમાસા વચ્ચે ઉનાળા જેવો તાપ છેલ્લા સપ્તાહ ઉપરાંતના સમયથી પડી રહ્યો છે. આ વચ્ચે આજે નડિયાદ શહેરમાં એકાએક વહેલી સવારે 10 વાગે વાતાવરણ પલટાયુ હતુ, સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 4 કલાકમાં મેઘ મહેર થઈ હતી. આ અરસામાં વાદળછાયુ વાતાવર અને 36 ડીગ્રીનો તાપ મિશ્ર રહ્યો હતો અને ભારે બફારા વચ્ચે 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નડિયાદ શહેરમાં આજે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે 4 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા પખવાડિયાભરથી નડિયાદ સહિત જિલ્લામાં મેઘરાજા રીસામણે ગયા છે. વરસાદનો છાંટોય પડ્યો ન હતો અને તેમાંય છેલ્લા ચારેક દિવસથી તો તાપમાનનો પારો દિવસને દિવસે ઉપર ચઢી રહ્યો છે. આજે બુધવારે તો 35 ડીગ્રીની આસપાસ તાપમાન સ્થિર રહ્યુ હતુ. દિવસમાં જે ચાર કલાક વરસાદ પડ્યો, તે દરમિયાન પણ ખૂબ સામાન્ય વાદળો છવાયા હતા અને તાપની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો. જે દરમિયાન નડિયાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેમદાવાદમાં માત્ર 8 મીમી વરસાદ થયો છે. અન્ય તમામ તાલુકાઓ તો હજુ પણ કોરા ધાકોર છે. નડિયાદમાં આ 1 ઈંચ વરસાદમાં તો ગરનાળા 2 કલાક માટે ભરાઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ કલાકો સુધી પાણી ભરાઈ રહ્યુ હતુ. આ તરફ શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં પણ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ વરસાદના પગલે ખાસ કરીને પારસ સર્કલ પાસે શૈશવ હોસ્પિટલના ઢાળવાળા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને છેલ્લા પખવાડિયા જેટલા સમયથી યોગ્ય માત્રામાં વરસાદ થયો નથી અને તાપમાનનો પારો ઉંચો ચઢી રહ્યો છે. જેના કારણે ભેજ અને તાપના કારણે બફારો વધ્યો છે. લોકોને પંખાની નીચે પણ ઠંડક મળતી નથી અને લોકો આ બફારાથી ત્રાસી ગયા છે. જેથી આગામી સમયમાં મેઘરાજા મન મૂકીને વરસે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે તેમ છે. આજે નડિયાદમાં સામાન્ય એક ઈંચ વરસાદ બાદ પણ બફારો ખૂબ વધ્યો હતો અને લોકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.
જિલ્લામાં સિઝનનો 57.25 ટકા વરસાદ
ખાસ કરીને જિલ્લામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સમગ્ર જિલ્લામાં 57.25 ટકા વરસાદ પડ્યો છે. નડિયાદ, માતર પંથકને બાદ કરીએ અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો નડિયાદ અને માતર પંથકમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. આમ એક અંદરે સમગ્ર જિલ્લામાં પણ વરસાદ ઓછો પડતા ચીંતાનો વિષય બન્યો છે. ત્યારે આવનાર સમયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના વરૂણદેવને જિલ્લા વાસીઓ કરી રહ્યા છે.
નડિયાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
નડિયાદમાં એક ઈંચ વરસાદ એકાએક ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે આ વરસાદે થોડી મીનીટોમાં જ વિરામ લેતા આ પાણી ઓસરી ગયા હતા. શહેરના સરદારની પ્રતિમા પાસે, શ્રેયસ ગરનાળા, વૈશાલી ગરનાળુ, માઈ મંદિર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. તો બીજી તરફ આ પાણી ભરાતા નજીકના સ્થળોએ ટ્રાફિક ચક્કાજામ થયો હતો. આ ઉપરાંત શ્રેયસ ગરનાળામાં પાણી ભરાતા ફુટપાથ પર ટુવ્હિલર વાહનોને આવનજાવન કરવી પડી હતી. આથી અહીંયા પણ ભારે ટ્રાફિક સર્જાયો હતો. જોકે આ વરસાદી પાણી ઓસરતા સ્થિતિ સામાન્ય બની છે.