Charotar

નડિયાદ: સરદાર ભુવનની 46 દુકાનોના ભાડુઆતો અને મનપા કમિશનર વચ્ચે આવતીકાલે બેઠક


મનપા દ્વારા સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં દુકાનો આપવાનો પ્રસ્તાવ મુકાય તેવી શક્યતાઓ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
નડિયાદ સ્ટેશન રોડ સ્થિત સરદાર ભુવન કોમ્પલેક્ષની 46 દુકાનોના ભાડુઆતોને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠકમાં મનપા કમિશનર અને ભાડુઆતો વચ્ચે હાઇકોર્ટના સૂચન મુજબ ભાડુઆતો માટે અન્ય દુકાનોની વ્યવસ્થા કઈ રીતે કરવાની થાય છે તે અંગે વિસ્તૃત ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને મનપા દ્વારા સંતરામ નિલમ કોમ્પલેક્ષમાં દુકાનોની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મુકાય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
નડિયાદમાં સરદારભુવનની 46 દુકાનોનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી વિવાદીત બન્યો છે. નગરપાલિકા દ્વારા જે તે સમયે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા બાદ આ દુકાનો તોડી પાડવા માટે નોટિસ આપી દેવાઈ હતી. જોકે ભાડુઆતો આ મામલે હાઇકોર્ટ પહોંચ્યા હતા અને જ્યાં હાઇકોર્ટે પણ નગરપાલિકાની નોટિસને માન્ય ઠરાવી હતી. પરંતુ ભાડુઆતો આટલે ન અટકતા બાદમાં સમગ્ર મામલો હાઇકોર્ટની ડબલ બેચ સમક્ષ લઈ ગયા હતા. જ્યાં તાજેતરમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ડબલ બેચ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાને માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું ક, 46 દુકાનોના વેપારીઓ વર્ષોથી ધંધો કરતા હોય, તેમને આ રીતે અચાનક ધંધા રોજગાર વિનાના કરી નાખવા તે યોગ્ય નથી. તેમજ આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પણ ટકોર કરી હતી. તેમજ આ માટે મનપા અને ભાડુઆતો વચ્ચે બેઠક કર્યા બાદ યોગ્ય નિર્ણય લઈ 3 સપ્તાહમાં હાઇકોર્ટમાં રિપોર્ટ સબમીટ કરવા માટે સૂચના આપી હતી. જેના પગલે હવે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ ભાડુઆતોને આવતીકાલે શુક્રવારે 4:30 કલાકે બેઠક માટે બોલાવાયા છે. આ બેઠકમાં મનપા અને ભાડું આ તો વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા મામલે વિસ્તૃત ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. જોકે સમગ્ર મામલે આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા સંતરામ રોડ સ્થિત સંતરામ નિલમ કોમ્પલેક્ષના ઉપરના માળે વેપારીઓને વૈકલ્પિક દુકાનો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Most Popular

To Top