જવાહરનગર વિસ્તારમાં 3 શંકાસ્પદ મોતમાં પોલીસે ‘જીરા સોડા’ની થિયરી પર તપાસ શરૂ કરી
લઠ્ઠાકાંડ પર પડદો પાડવાનો હેતુ કે ખરેખર કોઈ ‘આંતરીક ઝેર’ હત્યામાં પરીણમ્યુ તે ચર્ચાનો વિષય
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં આવતા જવાહરનગર વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે 3 લોકોના શંકાસ્પદ મૃત્યુની બિના સામે આવી. આ ઘટનામાં આજે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ‘જીરા સોડા’ની થિયરી મીડિયા સમક્ષ રજૂ કરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ એક જ બોટલમાંથી ત્રણ લોકોએ પ્રવાહી પીધુ અને તેમના મોત થયાનું પ્રત્યક્ષ જોનારે જણાવ્યુ છે. જેથી અત્રે સ્થળ પરથી બોટલો એકત્ર કરી અને હાલ એફ.એસ.એલ.ની ટીમ તેની તપાસ કરી રહી છે. જ્યારે આખા કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવાઈ છે.
પોલીસની સોડા થિયરી મુજબ જવાહરનગર વિસ્તારમાં મૃતક કનુભાઈ ચૌહાણે એક સોડાની બોટલ લીધી હતી. આ બોટલમાંથી કનુભાઈ, યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડે એક બાદ એક થોડુ-થોડુ પ્રવાહી એટલે કે સોડા પીધી હતી. ત્યારબાદ ત્રણેય લોકો એક બાદ એક પાંચથી સાત મિનિટના અરસામાં લથડીયા ખાવા લાગ્યા અને ઢળી પડ્યા. જ્યાં તેમને હોસ્પિટલ લઈ જવાયા અને તેમને મૃત જાહેર કરાયા હતા. સોડા પીધા બાદ માત્ર પાંચેક મિનિટમાં આ પ્રકારનું રીએક્શન આવવુ તે અંગે પોલીસ વડાએ ઝેરી દ્રવ્ય અંદર ભેળવ્યુ હોય તેવી આશંકાઓ વ્યક્ત કરી છે. તેમજ આ દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યુ છે. એક જ બોટલમાંથી 3 લોકોએ પીણુ પીધુ અને તેમનું મોત થયુ, તે અનેક શંકાઓ જન્માવે છે. હાલ એફ.એસ.એલ.ની ટીમ દ્વારા અત્રેની કચરાપેટીમાંથી બોટલો લઈ અને તેના સેમ્પલની તપાસ શરૂ કરી છે. તો પોલીસની આ સોડા થિયરી અંગે અનેક પ્રશ્નાર્થ પણ ઉઠ્યા છે. પોલીસે પ્રત્યદર્શીના ઓથા હેઠળ આખી થિયરી રજૂ કરી છે. ત્યારે ખાસ કરીને સોડાની દુકાનો મુખ્ય રોડની નજીક છે, જ્યારે આ મૃતકો જ્યાં ઢળી પડ્યા ત્યાં નજીકમાં દેશી દારૂના અડ્ડા આવેલા છે. એટલુ જ નહીં, અહીંયા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતુ હોવાનું પણ સ્પષ્ટ દેખાયુ છે. જેથી સોડાની થિયરી લઠ્ઠાકાંડ પર પડદો પાડવા માટે છે કે પછી કોઈ અંગત માથાકૂટોમાં ઝેરી દ્રવ્ય સાથે સોડા પીવડાવી દેવાઈ છે, તે તપાસનો વિષય છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આવી પહોંચી
મોડી રાતે ઘટના બન્યા બાદ તાત્કાલિક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આવી પહોંચી હતી. નડિયાદ એસ.ઓ.જી., એલ.સી.બી. અને ટાઉન પોલીસ સહિતની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. તેમજ બુટલેગરોને પણ રાઉન્ડપ કરી અને તપાસ આદરી હતી.
