Charotar

નડિયાદ: માર્ગ મકાનના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ અને મળતીયા શિવમ દેસાઈ દ્વારા સ્થાનિકોને ધમકાવાયા

બારકોશિયા રોડના રહીશોને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓનો કડવો અનુભવ

મામલો ઉગ્ર બનતા નડિયાદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી થાળે પાડયો


(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
ખેડા જિલ્લામાં માર્ગ મકાન પંચાયતના નડિયાદ વિભાગના એસ. ઓ. અને તેના મળતીયા ઇસમો ધાક ધમકી આપી હોવાની ફરિયાદ ઉઠી છે. બારકોસિયા રોડના વિવાદ મામલે સ્થાનિકો સોશિયલ ક્લબ રોડ સ્થિત કચેરીમાં અધિકારીને રજૂઆત કરવા ગયા તે સમયે વાતચીત દરમિયાન અચાનક ત્યાં હાજર એક ખાનગી ઈસમ દ્વારા સ્થાનિકોને ધમકી આપવામાં આવી હતી. જે મામલે સ્થાનિક અગ્રણી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નવ નિર્માણ પામી રહેલા બારકોશિયા રોડમાં અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આ વચ્ચે આ વિસ્તારના અગ્રણી સોહિલ ચીસ્તીયા અને અન્ય સ્થાનિકો બારકોશિયા રોડની કામગીરી બાબતે સંબંધિત વિભાગોમાં રોડનું નિર્માણ યોગ્ય રીતે થઈ તે માટે રજૂઆતો કરી રહ્યા છે. જ્યાં આજે આ બાબતની રજૂઆત કરવા સોશિયલ ક્લબ રોડ સ્થિત માર્ગ મકાન પંચાયત નડિયાદ વિભાગની ઓફિસમાં પહોંચી નાયબ કાર્યપાલક ઇજનેર કે. એચ. રાઠોડ સાથે સ્થાનિકો વાત કરી રહ્યા હતા. તે દરમિયાન વિભાગના એસ. ઓ. પ્રદીપભાઈ સુરિયાલ અને ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા શિવમભાઈ દેસાઈ દ્વારા સોહીલ ચિસ્તિયા અને સ્થાનિકો સાથે ગેરવર્તન કરાયું હતું. તેમજ માર્ગ મકાન વિભાગના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ દ્વારા જણાવ્યું હતું કે ‘આવી બધી રજૂઆતો લઈને આવવાનું નહીં અને આવી બધી બાબતોમાં પડીશ નહીં’ તેમ ધમકી આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર શિવમ દેસાઈ દ્વારા પણ પોતે કોન્ટ્રાક્ટર હોવાનો દાવો કરી અને સ્થાનિકો સાથે ઉધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી સ્થાનિકો દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને જે વાત ટાઉન પોલીસના કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી મામલો થાળ પડાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શિવમ દેસાઈ નામનો ખાનગી વ્યક્તિ માર્ગ મકાન વિભાગના એસ. ઓ .પ્રદીપ સુરીયાલનો વહીવટદાર હોવાના પણ આક્ષેપો થયા છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી પ્રદીપ સુરીયાલ અને શિવમ દેસાઈ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top