નડિયાદ ટાઉનની હદમાં વર્ષોથી દારૂના ધંધા સાથે સંકળાયેલા કુખ્યાત બુટલેગરનો 1.88 લાખનો મુદ્દામાલ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.13
નડિયાદમાં મીલ રોડ પરથી સ્ટેટ મોનીટરીંગની ટીમે 1.88 લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપ્યો છે. નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર એમ. બી. ભરવાડના નાક નીચે વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવા છતાં બુટલેગરોને સંરક્ષિત કરાતા હોવાથી ટાઉન પોલીસ નિષ્ક્રિય રહેતી હતી. આ તરફ ખેડા હેડક્વાર્ટર્માં બદલી પામેલા હેડ કોન્સ્ટેબલ સુભાષ નાવીને નડિયાદમાં જ લાંબા સમયથી એક ગોડાઉનના ગાર્ડની ફરજ આપી અને નડિયાદ શહેરમાં જ રહી શકે અને ટાઉનના વહીવટ કરી શકે, તે મુજબની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, તેના પરીણામે નડિયાદ ટાઉનના વહીવટદાર તરીકે છુપા આશીર્વાદ આપી અને બુટલેગરોને સંરક્ષણ અપાતુ હોવાના કારણે દારૂની બદીઓ ફૂલી ફાલી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉનની હદમાં આવતા મીલ રોડ પર ભાઈલાલભાઈની ચાલીમાં ગઈ મોડી રાતે સ્ટેટ મોનીટરીંગની સેલની ટીમે બાતમીના આધારે સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન સ્ટેટ મોનીટરીંગની ટીમે સ્થળ પરથી 1031 બોટલ દારૂ જેની કિંમત 1,88,180 સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા અને ત્રણને ફરાર બતાવ્યા છે. પોલીસે ઝડપેલા આરોપીમાં ઘનશ્યામ ઝાલા, રાહુલ ચૌધરીનો સમાવેશ થાય છે, જ્યારે યાસીન વ્હોરા, જશભાઈ ઝાલા અને દારૂનો જથ્થો પૂરો પાડનારા અન્ય એક ઈસમ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, નડિયાદ ટાઉન પોલીસ હદ વિસ્તારમાં દારૂ અને અન્ય અસામાજીક પ્રવૃતિઓ પહેલા કરતા વધારે વેગવંતી બની છે. નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર મનુભાઈ બી. ભરવાડ આવા અસામાજીક તત્વો સામે નબળા પુરવાર થઈ રહ્યા છે. બીજીતરફ નડિયાદ ટાઉનમાંથી ખેડા હેડક્વાર્ટરમાં બદલી પામેલા હેડ કોન્સ્ટેબલ સુભાષ નાવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઈશારે નડિયાદ આર.ટી.ઓ. કમ્પાઉન્ડમાં આવેલા ઈ.વી.એમ. ગોડાઉનના ગાર્ડ તરીકે લાંબા સમયથી ફરજ સોંપી રાખવામાં આવી છે. સુભાષ નાવી મૂળ નડિયાદ ટાઉનની હદમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર આશીર્વાદ રાખવાનાર વહીવટદાર હોવાની ચર્ચાઓ છે, જેના કારણે અન્ય કોઈ જગ્યાએ ફરજ આપવાની બદલે જાણી-બુઝીને નડિયાદના ગોડાઉનમાં નોકરી આપી છે, જ્યાં હાજર રહેવાને બદલે તે નડિયાદ ટાઉન પોલીસ મથકની આસપાસ રહી અને ટાઉન મથકના વહીવટ કરતા હોવાની ચર્ચા છે અને વહીવટદારોના આશીર્વાદથી જ નડિયાદમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. નડિયાદમાંથી આ પ્રકારની બદીઓ દૂર કરવા માટે આવા વહીવટદારોને અને નબળા પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરવાની માંગણી ઉઠી છે.