નડિયાદમાં સરદાર પટેલના મામાની જમીન શ્રીસરકાર થયા બાદ તેનો વેપલો થયાનો આક્ષેપ .
સમગ્ર મામલે ફરીયાદી દ્વારા કલેક્ટરને અરજી કરી કાર્યવાહી કરવા માંગણી કરાઈ .
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
નડિયાદ ખાતે સરદાર પટેલના મોસાળ પક્ષની જમીનમાં પૂર્વ પ્લાનિંગ કમિટિના ચેરમેન દ્વારા વેપલો કરાયો હોવાનો આક્ષેપ કલેક્ટર સમક્ષ કરવામાં આવ્યો છે. આ આક્ષેપમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા ઉપરાંત કેટલીક મહત્વની એન્ટ્રીઓ ઉડાવી દઈ અને પોતાના નામે રજીસ્ટર દસ્તાવેજ કરવા અંગે તપાસની માગણી કરવામાં આવી છે.
નડિયાદ નગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજય પટેલે ઉર્ફે બબલદાસે સરદાર વલ્લભભાઈ પટેલના મોસાળ પક્ષના વારસદારોની જમીન બિન અધિકૃત રીતે ખરીદી હોવાની કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે. આ રજુઆતમાં અરજદારે આક્ષેપ કર્યો હતો કે, સરદાર પટેલના મામાના દિકરા હરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈની નડિયાદ ટી.પી. 5માં આવેલી જમીનનો વેપલો કરી નાખ્યો છે. 1963માં શ્રી સરકાર થયેલી આ જમીનમાં 30 વર્ષ બાદ 1993માં શ્રી સરકારનો હુકમ રદ્દ કરી દેવાયો હતો. તે બાદ 1993માં જ વલીનાબેન દેસાઈ અને શારદાબેન મણીભાઈએ રજી. વેચાણ દસ્તાવેજ થકી વિજય પટેલ અને તેમના પરીવારને વેચાણ કરી હતી. આ ઉપરાંત હરિન્દ્રભાઈ દ્વારા દક્ષિણ તરફની જમીન વિજય પટેલને વેચી હતી. બાદમાં વર્ષ 1994માં આ 109 ગુઠા જમીન બિનખેતી પણ કરાવી દેવાઈ હતી. આ જમીન પૈકી 4 પ્લોટ જુદા જુદા વ્યક્તિને વેચાણ પણ કરાયા હતા, જે બાદ વર્ષ 2024માં સીટીસર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા વગર તમામ 52 પ્લોટને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ગોપાલ માંડોવરા નામના અરજદારે સિટી સર્વે અને જિલ્લા કલેકટરના જમીન સુધારણા વિભાગમાં અરજી કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.
અરજદારે નાણા પડાવવા ખોટી ફરિયાદ કરી છે
‘સરદાર પટેલના મોસાળ પક્ષના વારસદારો દ્વારા કાયદેસર કાર્યવાહી કરીને જ જમીન વેચવામાં આવી છે. આ અંગે દસ્તાવેજો પણ છે. આ અગાઉ કલેક્ટરમાં અરજી કરી હતી. પરંતુ તે અરજી માન્ય રહી નહતી. આ જમીનનો સોદો સંપૂર્ણ કાયદેસર છે. અરજદાર દ્વારા નાણા પડાવવાના હેતુસર આ આક્ષેપ કરવામાં આવ્યો છે.’ વિજયભાઈ પટેલ, પૂર્વ ટાઉન પ્લાનીંગ ચેરમેન, પાલિકા, નડિયાદ.