Charotar

નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ

જિલ્લા કલેક્ટરના હુકમ બાદ આરોપીઓ હાઈકોર્ટ ગયા, પરંતુ હાઈકોર્ટે અરજી કાઢી નાખી..

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એકજ પરિવારના 5 સભ્યોએ મકાન પચાવી પાડવાના કારસો રચ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મકાન મિલકત પર ગેરકાયદે કબ્જો જમાવી બેસતા છેવટે મુળ માલીકે આ બાબતે કલેકટર કક્ષાએ પહોંચી અરજી આપ્યા બાદ કલેક્ટરે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. જોકે બાદમાં સમાધાન કરવાનું કહી કબ્જેદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. છેવટે આ અરજી હાઇકોર્ટે અમાન્ય ગણતા આ મામલે આજે મુળ માલિકે મકાન મિલકત પર ગેરકાયદેસર કબ્જો જમાવતા 5 વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરના ડભાણ રોડ પર મધુવિલા વૃદાવન બંગ્લોઝ ખાતે 44 વર્ષિય વિશાલભાઈ હસમુખલાલ ઠક્કર રહે છે. તેઓ ડેકોરેશન અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં લખાવાડ પાર્ટીની સીમના રે.સર્વે નંબર 2772 પૈકી પ્લોટ નં.એ/12 ઇશાન પાર્ક સોસાયટી કે જેનુ ક્ષેત્રફળ 138.67 ચો.મી. ના બાંધકામ વાળી મીલકત જેનો સીટી સર્વે નં.630 વધારાનો વિસ્તાર-1છે. તેમજ નડિયાદ નગરપાલીકાના બીલ મુજબ મિલ્કત નં. 6520/12 છે. જે મીલ્કત પાઉલભાઈ સેબાસ્તીયન પરમાર પાસેથી વિશાલભાઈના સ્વર્ગસ્થ માતાએ વર્ષ 2004મા વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ હતું. આ મામલે પાઉલ પરમારે સોગંદનામું પણ કરેલ હતું. જોકે આ પાઉલભાઈ પાસે રહેવા માટે એ સમયે ઘર નહોય માનવતાની રાહે થોડા સમય માટે આ ઘરમાં રહેવા વિશાલભાઈની માતાને જણાવ્યું હતું. જેથી વિશાલભાઈની માતાએ આ મકાન રહેવા માટે ભોળાભાવે આપેલ હતું. બાદમાં વિશાલભાઈની માતા અને પિતાનુ અવસાન થતાં સિધી લીટીના વારસદાર તરીકે વિશાલભાઈ અને તેમના ભાઈ, બહેન આવતા હોય તેમણે વારસદાર તરીકે વારસાઈ કરાવી હતી. દરમિયાન આ પાઉલભાઈ તથા તેમના દિકરાઓ નરેશ પાઉલભાઈ પરમાર, રાકેશ પાઉલભાઈ પરમાર, જીગ્નેશ પાઉલભાઈ પરમાર અને પ્રકાશ પાઉલભાઈ પરમારે આ મકાન મિલકત વેચાણ લેવાનું કહી રજી. બાનાખત કરી આપવા કહ્યું હતું. રજી. બાનાખત કરી આ બાદ એક માસમાં રકમ ચૂકવવાનુ આ કબ્જેદારોએ કહ્યું હતું. પરંતુ આ બાબતે પણ બહાના બતાવતા હતા. અને છેવટે આ વેચાણ બાનાખત રદ બાતલ થયેલ હતું. કબ્જેદારોએ વેચાણ અવેજની રકમ ચુકવી આપેલ નહી જેથી સદર બાનાખાત રદબાતલ થઇ ગયેલ છે. આ બાદ આ મકાન કબ્જેદારોએ ખાલી કરેલ નહી અને એનકેન પ્રકારે મકાનનો બીન અધિકૃત રીતે કબજો કરી દિધો હતો. આ ઉપરાંત મકાનમાં કબ્જો જમાવતા કબ્જેદારોએ ધમકી આપતાં કહ્યું કે, ‘મકાન ખાલી કરાવવા દબાણ કરશો તો અમે ઝેર પી આપઘાત કરી તમારા નામ લખાવીશુ’ જેથી વિશાલભાઈએ આ બાબતે કલેકટરમા લેન્ડગ્રેબિંગની અરજી આપી હતી. જેનો હુકમ વિશાલભાઈની ફેવરમાં આવતા આ મામલે સામાવાળાઓએ સમાધાન કરવા તૈયારી બતાવી નિરાકરણ લાવવા માટે સમય માંગ્યો હતો. આ દરમિયાન સામાવાળાઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઈકોર્ટે 9 મે 2024ના રોજ આ અરજીને કાઢી દીધી હતી. આથી આ મામલે વિશાલભાઈ ઠક્કરે ઉપરોક્ત 5 કબ્જેદારો સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ અંગેની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top