માત્ર શહેરીજનોને નહીં, નગરપાલિકાને પણ અણઆવડતના ખાડા નડી રહ્યા છે
માઈ મંદિર રોડ પર 15 દિવસ પહેલા થયેલા પુરાણ કામમાં વાહનના બે ટાયર ઉતરી ગયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
નડિયાદ શહેરમાં મુખ્ય રોડથી માંડીને ઈન્ટરનલ રોડ પર ઠેકઠેકાણે ખાડાઓનો ત્રાસ વધ્યો છે. ચોમાસામાં રોડ ધોવઈ જતા મસમોટા ખાડાઓ પડ્યા છે. ત્યારે આવા ખાડાઓને પુરાણકામ માટે તંત્ર કામે લાગ્યું છે. પુરાણકામમા પાલિકાનું કચરાનુ વાહન ફસાયાની ઘટના આજે બની છે. શહેરના માઈ મંદિર રોડ પર કચરો ખાલી કરીને આવતું નગરપાલિકાનુ વાહન ખાડાના પુરાણમાં ફસાઈ ગયું છે.
નડિયાદ શહેરમાં કમરતોડ રસ્તાઓ પર પાલિકા દ્વારા વેઈટ મિક્સ પાથરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ જતા અથવા તો રોડ પર ખાડા પડી જતાં વેઈટ મિક્સ પાથરવામાં આવે છે. તાજેતરમાં 15 દિવસ અગાઉ જ નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર માઈ મંદિરથી શારદા મંદિર ચોકડી તરફ જતાં ખાડા પર વેઈટ મિક્સ પાથરી પુરાણકામ કરાયું હતું. આજે આ પુરાણકામ થયેલી જગ્યાએ પાલિકાનું વાહન ફસાયાની ઘટના બની છે. સવારે નગરપાલિકાનું કચરાનુ વાહન કચરો ખાલી કરી માઈ મંદિર ચોકડી તરફ જતું હતું ત્યારે આ પુરાણકામ થયેલ જગ્યાએ તેના બે ટાયરો ફસાઈ ગયા હતા. શહેરમાં ઠેરઠેર ખાડાઓનો ત્રાસ વધ્યો છે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે પાલિકાના વાહનો પણ આ ખાડાઓનો શિકાર બની રહ્યા છે. આ વાહન લઇને આવેલા પ્રજાપતિ ધવલે જણાવેલ કે, હું આ વાહન લઇને આવતો હતો ત્યારે એક બાજુ સોસાયટીની બે કાર પાર્ક થયેલી હતી તો તેની સામે રીક્ષાઓ ઊભી હતી. જેથી મારે ન છુટકે આ વેઈટ મિક્સમાથી વાહનને કાઢવાની ફરજ પડી હતી. જે વાહન કાઢતા બે ટાયર આ વેઈટ મિક્સમા ખુપી ગયા હતા. હવે જેસીબી વડે બહાર કાઢવામાં આવશે. 15 દિવસ પહેલા જ આ વેઈટ મિક્સ નખાઈને પુરાણકામ કરાયું હોવાની શક્યતા છે.