3 તારીખે 21 કર્મચારીઓ અને સી.ઓ.-પ્રમુખને પ્રાદેશિક કમિશ્નરની કૉર્ટનું તેડુ
2014માં બોગસ ભરતી પામેલા કર્મીઓની 2018માં ભરતી રદ્દ કરાઈ છતાં 2019માં જનરલ બોર્ડે કર્મચારીઓને કાયમી કરતો ઠરાવ કર્યો હતો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.31
નડિયાદ નગરપાલિકામાં વર્ષ 2014માં 26 જેટલા કર્મચારીઓની વિવિધ પદો પર ફિક્સ પગાર ધોરણથી ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓની ભરતી બોગસ હોવાનો દાવો થયો અને તે મામલે મ્યુનિસિપાલ એડમિનિસ્ટ્રેશન કચેરીના નાયબ નિયામકે આ ભરતી રદ્દ કરતો ઓર્ડર 2018માં કર્યો. આ બાદ ભરતી રદ્દ કરવાને બદલે 2019માં તત્કાલિન પ્રમુખે જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ મંજૂર કર્યો. આ સમગ્ર મામલે સતત ફરીયાદો ચાલી રહી હતી, આ વચ્ચે હવે પ્રાદેશિક કમિશ્નરની કોર્ટમાં આ માામલે ઠરાવ રદ્દ કરવા બાબતે ફરીયાદી અને નગરપાલિકાના પ્રમુખ-ચીફ ઓફીસર તેમજ 21 કર્મચારીઓને 3 તારીખે અમદાવાદ તેડુ આવ્યુ છે.
નડિયાદ નગરપાલિકાએ વર્ષ 2014માં એક ભરતી બહાર પાડી. જેમાં 3400 જેટલા લોકોએ દાવેદારી કરી. જો કે, નગરપાલિકાના તે સમયના સત્તાવાળાઓ દ્વારા ભરતી કોની કરવી તે અગાઉથી જ પ્લાન કર્યુ હતુ અને તે મુજબ અલગ-અલગ 26 પદો પર માનીતાઓની 5 વર્ષના ફિક્સ પગાર પર ભરતી કરી દીધી હતી. આ ભરતી પ્રક્રિયાના લાભથી વંચિત રહેલા બાબુભાઈ પટેલે 14 માર્ચ, 2018ના રોજ મ્યુનિસિપાલિટી કમિશ્નરને લેખિત રજૂઆત આધાર-પુરાવા સાથે કરી હતી. જે બાદ મ્યુનિસિપાલિટી કમિશ્નર દ્વારા અધિક કલેક્ટરને તપાસ સોંપાઈ અને આ તપાસના રીપોર્ટને સંજ્ઞાનમાં લઈ 7 જુલાઈ, 2018ના રોજ આ ભરતી રદ્દ કરી અને જવાબદારો સામે કોગ્નીઝેબલ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જો કે, આ આદેશને ઘોળીને પી જનારા તત્કાલિન સત્તાવાળા અને નગરપાલિકા તંત્રએ 31/10/2019ની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ નં.1થી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ કરી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં એકતરફ બાબુભાઈ પટેલ ફરીયાદો કરી રહ્યા હતા. તો બીજીતરફ રાજ્યપાલના પૂર્વ નોમીની અને આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા પણ સમગ્ર મામલે રાજ્ય સરકારમાં નગરપાલિકાના તમામ સબંધિત વિભાગોમાં વર્ષ 2014થી સતત લડત આપવામાં આવી રહી હતી. હવે આ પ્રકરણ સંદર્ભે પ્રાદેશિક કમિશ્નર દ્વારા 2019માં કરાયેલો ઠરાવ 2018માં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરાયેલા આદેશનો અનાદર કરીને કરાયો હોવાનું જણાતા, આ મામલે સુનાવણી રાખી છે. જેમાં ફરીયાદી મૌલિકકુમાર શ્રીમાળીની રજૂઆત સામે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર, પ્રમુખ અને ભરતી પામેલા 21 કર્મચારીઓએ પોતાનો જવાબ રજૂ કરવા હાજર રહેવાનું છે. જે-તે સમયે 26 કર્મચારીઓની ભરતી થઈ હતી, પરંતુ તેમાંથી એક બાબુભાઈ પટેલ ભરતીના લાભથી બાકાત રહ્યા હતા. તો આ સાથે જ અન્ય કર્મચારીઓ નિવૃત થયા હોવાની વિગતો મળી રહી છે.
આ 21 કર્મચારીઓને હાજર રહેવા નોટીસ
મયંકભાઈ એમ. દેસાઈ
દિનેશભાઈ આર. જોશી
રાકેશભાઈ આર. શર્મા
અશોકભાઈ આર. શર્મા
મહેશભાઈ અંબાલાલ દલવાડી
નિલેશભાઈ ચીમનભાઈ પ્રજાપતિ
જયેશ એ. કા. પટેલ
વિનોદભાઈ એ. બારોટ
રાજુભાઈ એ. શાભાઈ
મહમ્મદઆરીફ જી. મલેક
નયનભાઈ અંબાલાલ પટેલ
રાજેશભાઈ અંબાલાલ પટેલ
રફીકભાઈ ચુનીયા
સિદ્દિક ગુલામરસુલ શેખ
રમણભાઈ આર. ડાભી
દેવેન્દ્રભાઈ એમ. પટેલ
કાશીરામ જાદવ
કમલેશ વી. રબારી
હિતેશભાઈ એમ. રબારી
હેમરાજ રબારી
હેમંતભાઈ સોઢા
ફરીયાદીની શું માંગણી છે?
આ સમગ્ર મામલે આખા કૌભાંડને ઉજાગર કરનાર ફરીયાદી મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા ગુજરાત સરકાર સમક્ષ આ મામલે મ્યુનિસિપાલિટી કમિશ્નરના 7 જુલાઈ, 2018ના આદેશનું પાલન કરી નડિયાદ નગરપાલિકા આ ભરતી-બઢતી રદ્દ કરે અને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી આ કર્મચારીઓને જે 32 કરોડ જેટલી માતબર રકમ પગાર પેટે ચુકવી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરાયુ છે, તેની ભરપાઈ કરવામાં આવે, ઉપરાંત અત્યાર સુધી આ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશની અવગણના કરનારા તમામે તમામ જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
નડિયાદ નગરપાલિકાનું કૌભાંડ ‘સ્પેશિયલ 26’
By
Posted on