Charotar

નડિયાદ: નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પતિએ જમીન દલાલ સામે ફરિયાદ નોંધાવી


જમીન દલાલ ખુલ્લી તલવાર લઈને પ્રણવભાઈ મિસ્ત્રીના ઘરે પહોંચી પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
નડિયાદ, તા.23
નડિયાદ નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ દ્વારા શહેરના એક જમીન દલાલ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. જમીન દલાલે ઉપપ્રમુખના ઘરે પહોંચી ખુલ્લી તલવાર બતાવી પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા નડિયાદ પશ્ચિમ મથકે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ નડિયાદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રીતિબેન મિસ્ત્રીના પતિ પ્રણવભાઈ મિસ્ત્રી જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેના કારણે નડિયાદ હરમાનપુરામાં રહેતા અને જમીન દલાલ રમણભાઈ સનાભાઇ રાઠોડ સાથે લાંબા સમયથી પરિચય હતો. પ્રણવભાઈ અને રમણભાઈ સાથે મળી જમીન લે વેચ કરતા હતા પરંતુ રમણભાઈ હિસાબમાં કરતા હોવાથી પ્રણવભાઈએ હાલ ધંધાકીય લેવડ બંધ કરી દીધેલ છે. 22 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ પ્રણવભાઈ પોતાના પત્ની અને દીકરા વિશાલ સાથે ઘરે સુતા હતા. તે વખતે અચાનક તેમના ઘરની લોખંડની જાળી જોડ જોરથી ખખાડી અને કોઈએ ગાળો બોલવાની શરૂ કરી હતી. જ્યાં પ્રણવભાઈ અને તેમના પરિવારના લોકો જાગી ગયા હતા અને તેમને બહાર જોતા રમણભાઈ રાઠોડ પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈ ઉભા હતા અને ગાળો બોલી તે મારો રોટલો છીનવી લીધેલ છે અને મારા બધી જગ્યાએ સંબંધો ખરાબ કરેલ છે જેથી આજે તું બહાર આવ તો તને અને તારા દીકરા સન્નીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. જ્યાં પ્રણવભાઈ અને તેમના પરિવાર ડરી જતા તેમણે દરવાજો ખોલ્યો ન હતો, જેથી રમણભાઈએ તું જ્યારે પણ ઘરેથી બહાર નીકળીશ ત્યારે તને તારા દીકરાને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી સફેદ કલરની ગાડી લઈને જતાં રહ્યા હતા. આ બાદ પ્રણવભાઈના દીકરા વિશાલે રમણભાઈને ફોન કરી અને પૂછ્યું હતું કે તમે આવું કેમ કરો છો, જ્યાં રમણભાઈએ જણાવ્યું હતું કે તમારી સાથે કોઈ વાંધો નથી પણ પ્રણવભાઈ અને સન્નીને હું જીવતા છોડવાનો નથી, તેવી ધમકી આપી હતી. આ સમગ્ર બાબતે પ્રણવભાઈ મિસ્ત્રી દ્વારા રમણ શનાભાઈ રાઠોડ સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Most Popular

To Top