Charotar

નડિયાદ ટાઉન PI સહિતનો કાફલો મકાનમાં ઘૂસ્યો!

શીતલ ગ્રાઉન્ડની પાછળના વિસ્તારમાં વર્ષોથી ચાલતી બબાલમાં ટાઉન પી.આઈ. સામે આક્ષેપ થયા..
(પ્રતિનિધિ) નડિયાદ,
નડિયાદ શહેરમાં શીતલ ગ્રાઉન્ડની પાછળ આવેલી પ્રકાશનગર સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે વર્ષોથી રસ્તા અને જગ્યા બાબતે માથાકૂટ ચાલી આવી છે. આ મામલે અગાઉ પણ બંને પાડોશીઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાના અહેવાલ છે. આ વચ્ચે આજે અચાનક એક અરજીના આધારે નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર પોતાનો કાફલો લઈ અને આ માથાકૂટમાં શામેલ એક પક્ષના ઘરમાં ઘુસી ગયા હતા અને મનફાવે તેમ ઘરમાં હાજર સભ્યો સાથે વર્તન કર્યુ હોવાના આક્ષેપ ઉઠતા ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ શીતલ ગ્રાઉન્ડની પાછળ પ્રકાશનગર સોસાયટીમાં રબારી અને તળપદા સમાજના મકાન પાસેપાસે આવેલા છે. આ બંને પરીવારો વચ્ચે લાંબા સમયથી રસ્તા અને જગ્યા બાબતની માથાકૂટ ચાલે છે અને હાલ આ મામલો કોર્ટમાં પેન્ડીંગ છે. આ બાબતે અગાઉ પણ બંને પક્ષ વચ્ચે મારામારી થયેલી છે. આ વચ્ચે પાણી કાઢતા હોવાની એક અરજીના આધારે આજે નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર એમ. બી. ભરવાડ પોતાના તાબાના 20 જેટલા કર્મચારીઓ સાથે તળપદા સમાજના ઘરમાં ઘુસી ગયા હોવાના આ ઘરના સભ્યોએ આક્ષેપ કર્યા છે. તેમજ ઘરમાં ઘુસ્યા બાદ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યુ હોય અને આ ઉપરાંત બેફામ વાણી-વિલાસ પણ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ આ ઘરની જ એક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, પોલીસે જાણે સામાવાળા લોકો પાસેથી આર્થિક લાભો લઈ અને અમારા પરીવારના લોકોને માર મારવા માટે જ જાણે આવી હોય, તેમ અમારા પરીવારને ઘેરી લીધો હતો અને અમને તાત્કાલિક નડિયાદ ટાઉન મથકે પહોંચવા દબાણ કરાયુ હતુ. જો કે, રવિવારનો દિવસ હોય, અમારા પરીવારે આવતીકાલે સવારે હાજર થઈશુ, તેમ જણાવ્યુ હતુ. તેમ છતાં પોલીસ દ્વારા ખૂબ હેરાન કરાયા હોવાનું આક્ષેપ કરાયા છે. આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘અમારે રસ્તા બાબતનું સમાધાન પણ નોટરી દ્વારા લેખિતમાં થયેલ છે. આમ છતાં પોલીસ અમારી વાત સાંભળતી નથી. અને અમારા ઘરે આવીને અપશબ્દો બોલ્યા હતા. આમ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર કેસમાં એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Most Popular

To Top