Charotar

નડિયાદ ટાઉન પોલીસના હાથ કાઉન્સિલરના પુત્રને પકડવામાં ટુંકા પડી રહ્યાં છે

લૂંટના ગુનામાં દલિત યુવકને ચાલાકીથી બોલાવી ધરપકડ કર્યાનો આક્ષેપ

એટ્રોસીટીના કેસમાં કાઉન્સિલર પુત્ર ગિરિશ દાદાલાણીનો સાળો ભાવેશ ગુરૂ બિલોદરા જેલ હવાલે

(પ્રતિનિધિ) નડિયાદ, તા.4

નડિયાદ વોર્ડ નં.3ના કાઉન્સિલરના પુત્રએ પોતાના જ વિસ્તારના એક દલિત યુવકને જાતિવાચક શબ્દો બોલી માર માર્યો હતો. આ સમગ્ર મામલે એટ્રોસીટીની ફરીયાદ નોંધાતા રાજકીય વગ ધરાવતા કાઉન્સિલર પુત્રએ દલિત યુવક પર લૂંટનો ગુનો દાખલ કરાવ્યો હતો. જે મામલે પોલીસે દલિત યુવકને ચાલાકીથી પોલીસ મથકે બોલાવી ધરપકડ કરી બિલોદરા જેલ હવાલે કર્યો હતો અને બાદમાં યુવક જામીન પર મુક્ત થયો છે. પરંતુ આ જ આખા પ્રકરણમાં એટ્રોસીટીના મુખ્ય આરોપીને પકડવામાં પોલીસની કોઈ ચાલાકી કે બાતમીદારોને સફળતા મળી નથી. બીજીતરફ કાઉન્સિલર પુત્રના સાળાના એક દિવસના રીમાન્ડ પૂર્ણ થતા બિલોદરા જેલ હવાલે કરાયો છે.

નડિયાદ પાલિકાના વોર્ડ નં.3ના મહિલા કાઉન્લિર મીનાક્ષીબેન દાદલાણીના પુત્ર ગિરિશ દાદલાણી અને ગિરિશના સાળા ભાવેશ ગુરુએ વિસ્તારના દલિત યુવક પ્રતિક સોલંકી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. રાજકીય વગ ધરાવતા આ ઈસમો ટોળા સાથે પહોંચી અને બંને યુવકોને માર માર્યો હતો અને જાતિવાચક શબ્દો બોલ્યા હતા. જે મામલે ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુ સહિતના તેમના મળતીયાઓ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ વખતે જ ગિરિશ દાદલાણીએ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી અને બંને દલિત યુવકો પર લૂંટનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનામાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા પ્રતિક સોલંકીને તેની એટ્રોસીટીની ફરીયાદની કોપી સહી કરીને લઈ જવા માટે નડિયાદ ટાઉન પોલીસ મથકે આવવા જણાવ્યુ હતુ અને પ્રતિક સોલંકી ફરીયાદની નકલ મેળવવા માટે ટાઉન મથકે પહોંચતા, તેને લૂંટના ગુનાની ફરીયાદમાં ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી બિલોદરા જેલમાં ધકેલી દીધો હતો. આ દરમિયાન પ્રતિક સોલંકીને કોર્ટમાંથી જામીન મળ્યા અને તે બહાર આવ્યો હતો અને પોતાને અને પોતાના પરીવારને આ રાજકીય વગ ધરાવતા ઈસમોથી ખતરો હોવાની ફરીયાદ છેક ડી.જી.પી. સુધી કરી હતી. આ વચ્ચે મહિના સુધી આ કેસમાં કામગીરી ન કરાનારા એસ.ટી.એસ.સી. સેલના ઈચા. વિમલકુમાર બાજપાઈએ ગત રોજ 10 આરોપીઓની અટકાય કરી અને તેમાંથી ગિરિશના સાળા ભાવેશને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં એક દિવસના રીમાન્ડ મંજૂર થયા અને આજે તેના રીમાન્ડ પૂર્ણ થતા અન્ય આરોપીઓની સાથે ભાવેશને પણ બિલોદરા જેલમાં ખસેડ્યો છે. આ તરફ લૂંટના ગુનામાં દલિત યુવકને ચાલાકીથી બોલાવી લેનારી પોલીસને હજુ સુધી કાઉન્સિલર પુત્રની ભાળ મળી નથી. આ માટે પોલીસના બાતમીદારોથી માંડી અને ચાલાકીઓ પણ નિષ્ફળ નીવળી છે.  ત્યારે હવે પોલીસ આરોપી સુધી પહોંચી શકશે કે પછી સત્તાધારી પક્ષના કાઉન્સિલરના પુત્રને ખુલ્લેઆમ ફરવા દેશે, તે જોવુ રહ્યુ.

Most Popular

To Top