નડિયાદ નગરપાલિકાની પાસેનો રસ્તો વર્ષોથી બેહાલ
ખાડામાં પાણી ભરાતા પસાર થવુ મુશ્કેલ બન્યુ, વેપારીઓ અને વાહનચાલકોમાં રોષ
નડિયાદ, તા.3
નડિયાદ નગરપાલિકાની બાજુમાં શેરખંડ તળાવ રોડ અત્યંત બિસ્માર બન્યો છે. વર્ષોથી આ રોડ બનાવાતો નથી. નગરપાલિકા પ્રશાસન શહેરભરમાં જે સારા રસ્તા હોય તે તોડીને નવા બનાવી રહી છે, પરંતુ નગરપાલિકાની બાજુમાં જ જે રોડ આવેલો છે, તે રોડ વર્ષોથી બનાવવામાં પાલિકાની ઉંઘ ઉડતી નથી. આ તરફ સોશિયલ ક્લબ રોડ અને કબ્રસ્તાન ચોકડી તરફ આવેલા તમામ વિસ્તારોના નાગરીકો માટે શહેરના મુખ્ય બજારમાં જવા માટે આ રોડ ઉપયોગી બને તેમ છે.
નડિયાદ શહેરમાં નગરપાલિકા દ્વારા અનેક એવા રોડ છે, જે સામાન્ય તૂટે તો સમારકામ કરવાના બદલે આખો રોડ નવો બનાવવામાં આવે છે. તેમજ બિસ્માર રસ્તાઓના સમારકામ પણ કરાય છે. પરંતુ નડિયાદ નગરપાલિકાની બાજુમાં જ આવેલો શેરખંડ તળાવ રોડ વર્ષોથી બનાવાયો જ નથી. અહીંયા સોશિયલ ક્લબ રોડ તરફથી પ્રવેશતા જ અનેક વેપારીઓની દુકાનો આવેલી છે અને આ તરફ નડિયાદ નગરપાલિકાની સામે પણ અનેક ખાણી-પીણીની દુકાનો આવેલી છે. તો વળી, સોશિયલ ક્લબ, કબ્રસ્તાન ચોકડી અને તે તરફ વોર્ડ નં.3માં રહેતા રહીશોને બસ સ્ટેન્ડ અને સંતરામ તરફ આવવા માટે આ ખૂબ સરળ રસ્તો છે. ઉપરાંત જો આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તો મિશન બ્રિજથી આર.ટી.ઓ. થઈ બસ સ્ટેન્ડ તરફ જતો અને કબ્રસ્તાન ચોકડીથી આર.ટી.ઓ. થઈ બસ સ્ટેન્ડ થતા ટ્રાફિક પણ હળવો થાય તેમ છે અને અહીંયા જે મેઈન ટ્રાફિક પોઈન્ટ આવેલો છે, તે ટ્રાફિક પોઈન્ટ પર સાંજના સમયે જે રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેને પણ નિવારી શકાય તેમ છે. આમ છતાં નડિયાદ નગરપાલિકાના સત્તાધારી પક્ષ અને વહીવટી પ્રશાસન દ્વારા આ રોડની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે. હાલ ચોમાસુ શરૂ થતા જ આ રોડ પર પડેલા મહાકાય ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને કાદવનું સામ્રાજ્ય જામ્યુ છે. જેના કારણે અકસ્માતનો ભય રહેલો છે. નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા આ ખાડા પૂરવાની પણ તસ્દી લેવાઈ નથી. જેના કારણે હવે અહીંયાના વેપારીઓ અને રાહદારીઓ સહિત વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેથી સત્વરે આ રોડ હાલ સમારકામ અને ચોમાસા બાદ નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
નડિયાદ: ચોમાસુ શરૂ થતા જ શેરખંડ તળાવ રોડ પર મહાકાય ખાડા પડ્યા
By
Posted on