Charotar

નડિયાદ ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાના જ વિભાગને ચૂનો ચોપડ્યો

હેડ કોન્સ્ટેબલ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનોને બોગસ પાવતી આપી દંડ વસુલી ઉચાપત

(પ્રતિનિધિ) નડિયાદ, તા.20

નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ટ્રાફિકની ફરજ દરમિયાન નડિયાદ તાલુકાના બિલોદરા ચોકડી પાસે વાહન ચાલકોને રોકી ટ્રાફિકના નિયમો ભંગ કર્યા હોય દંડ ફટકાર્યો હતો અને બોગસ પાવતી આપી હતી. આ પાવતીની બીજી પાવતી બનાવી તેમાં ઓછી રકમ દર્શાવી ઉચાપત કરી હોવા બાબતની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં હેડ કોસ્ટેબલ સામે નોંધાઈ છે.

જિલ્લા પોલીસ અધિક્ષકને અરજદાર દ્વારા અરજી મળી હતી. જેમાં જણાવેલ કે, નડિયાદ રૂરલ પો.સ્ટેમાં ફરજ બજાવતા હે.કો મહેબુબભાઈ ગનીભાઈ વ્હોરાની નડિયાદ તાલુકાના બિલોદરા ચોકડી પર ડ્યુટી હતી. તે વખતે ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકોને રોકી વાહન માલિકો/ચાલકો પાસેથી સ્થળ પાવતી આપતા હતા તે વખતે એક વાહન ચાલક સુનેશભાઈ કાળુભાઈ બામણીયાએ 17 માર્ચ 2024નારોજ નડિયાદ નજીક રેલ્વે ફાટક ક્રોસીંગ પાસે આવેલ ચોકડી (બિલોદરા ચોકડી) આવ્યા હતા. ત્યારે આ હેડ કોસ્ટેબલ મહેબુબ વ્હોરાએ તેમને રોકી વાહનના દસ્તાવેજો માંગ્યા હતા. જેથી સુનેશભાઈએ આપ્યા હતા. જે બાદ જોઈને રૂપિયા 3 હજાર દંડ થશે તેવું જણાવ્યું હતું. જેથી તે રકમ આપી હતી તેના બદલામાં તેમને પાવતી આપવામાં આવી હતી. જે પાવતી જોતાં તે પાવતી ઉપર પોલીસનો સરકારી રાઉન્ડ શીલ મારેલ છે તથા તેના પર સમાધાન શુલ્ક પાવતી તેમ લખેલ છે. આ પાવતીની બીજી કોપી મહેબુબભાઈએ જમા કરાવી તેમાં રૂપિયા 500 લખ્યા હતા અને વાહન માલિકની સહી કરી હતી. તે પણ ડુપ્લીકેટ હતી આ અરજીની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તપાસ કરાવતા આવી હતી. તપાસમાં આ હે.કો મહેબુબભાઈ ગનીભાઈ વ્હોરાએ બીજી એક પાવતીઓમાં ગોટાળા કરી કુલ રૂપિયા 4 હજારની ઉચાપત કરી હોવાનું નજરે આવતા આ બાબતે તેમના વિરુદ્ધમાં નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ઉચાપત તેમજ બનાવટી સહી તેમજ ડોક્યુમેન્ટ ઊભા કરવા બાબતની ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top