Charotar

નડિયાદ ઓમનગર સોસાયટી અને શાંતિ ફળિયામાં કોલેરાના 35થી વધુ કેસ નોંધાયા

કલેક્ટરે અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.15
ખેડા જિલ્લા પ્રશાસને નડિયાદના અમદાવાદી બજાર બહાર અને તેની આસપાસના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. તેમજ આ વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયાનું જણાવ્યુ છે. જો કે, વાસ્તકવિક પરીસ્થિતિ ભિન્ન છે. ઓમનગર સોસાયટીમાં 10 તો અમદાવાદી બજાર વિસ્તારમાં 10 અને શાંતિ ફળિયામાં 15 ઉપરાંત કેસ હોવાની માહિતી મળી રહી છે. ગટરના દૂષિત પાણી નળમાં આવે છે અને આ પરીસ્થિતિમાં નાગરીકો હવે ઝાડા-ઉલ્ટીમાં લપેટાયા છે.
મળતી માહિતી મુજબ અમદાવાદી દરવાજા બહાર ઓમનગર સોસાયટી અને શાંતિ ફળિયામાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. સરકારી તંત્રના સત્તાવાર ચોપડે માત્ર એક જ કેસ દર્શાવાયો છે. પરંતુ સ્થાનિકો સાથે ચર્ચા કરતા ઓમનગર સોસાયટી અને ઠાકોરવાસ એમ બે ફળિયામાં જ 10 જેટલા લોકો ખાનગી અને એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે શાંતિ ફળિયામાં એક જ પરીવારના 5 અને અન્ય 10 જેટલા મળી કુલ 15 લોકો જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અમદાવાદી બજાર વિસ્તારમાં પણ 10 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થયાની માહિતી છે. એટલુ જ નહીં, શાંતિ ફળિયામાં તો એક નાનુ બાળક પણ આ કોલેરાની ઝપેટમાં આવી ગયુ છે. અત્રે મહત્વનું છે કે, આ આખા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણી સાથે ગટરના પાણી મિશ્ર થઈને આવતા હતા. જેના કારણે દૂષિત પાણીએ રોગચાળો નોતર્યો છે. રોગચાળાની આ આફત નોતર્યા બાદ હવે તંત્રએ મોડા મોડા અમદાવાદી બજાર અને આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી સર્વે ચાલુ કર્યો છે. તો સાથે જ મનપાના મેડીકલ ઓફીસર પ્રેરણા ગ્વાલાનીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરી છે.

અનેકવાર રજૂઆત છતાં તંત્ર સમારકામ ન કરી શક્યુઃ હિમાંશુ પરમાર, સ્થાનિક
આ સમગ્ર મામલે ઓમનગર સોસાયટીમાં રહેતા હિમાંશુ પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, અમારી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં તમામ લોકોના ઘરના નળમાં ફિલ્ટરેશન પ્લાન્ટની બદલે ગટરના દૂષિત પાણી જ આવે છે. જે લોકો સમૃદ્ધ છે, તેઓ પાણીનો જગ મુકાવી શકે છે, પરંતુ આર્થિક રીતે અસક્ષમ લોકો આ જ દૂષિત પાણીને ગાળીને પીવાનું જોખમ ઉઠાવે છે, તેના પરીણામે આ પરીસ્થિતિ સર્જાઈ છે. અગાઉ અનેકવાર મનપાને રજૂઆતો કરી પરીસ્થિતિથી વાકેફ કર્યા હતા, સમારકામ કરવા આવે અને તેમને લીકેજ ન મળતા પરત જતા રહેતા હતા, પરંતુ એક પણ ઉચ્ચ અધિકારીએ 6 મહિનામાં સ્થળ તપાસની જહેમત કરી નથી, પરીણામે તંત્રના પાપે જ આ પરીસ્થિતિ સર્જાઈ છે.
તંત્રએ આ પ્રતિબંધ મૂક્યા
ધંધાર્થીઓએ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા
શાકભાજી અને ફળફળાદી ખુલ્લા ન રાખવા અને કાપીને વેચાણ ન કરવુ
શહેરના તમામ ખાદ્ય એકમોમાં સ્વચ્છતા જાળવવી
ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ ખાદ્ય પદાર્થ વ્યવસ્થિત ઢાંકવા, ખાદ્ય પદાર્થો પેપર ડીશમાં જ આપવા
બરફ, ગોલા, ગુલ્ફીના વેચાણ પર તત્કાલ પ્રતિબંધ
શેરડીના રસ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ વેંચાણ કરવો
વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો
જમતા પહેલા સાબુથી હાથ ધોવા
કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી નડિયાદ મનપાના મેડીકલ ઓફીસરને મોકલવી

ફિલ્ટરેશન પ્લાન્ટ તો પાણી દૂષિત કેમ?

સૌથી પેચીદો પ્રશ્ન પ્રશાસને નડિયાદને કોલેરાગ્રસ્ત જાહેર કરવુ પડ્યુ છે. આ વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે, કોલેરાગ્રસ્ત આખા વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાઓથી દૂષિત પાણીની ફરીયાદો હતી. એકતરફ કરોડોના ખર્ચે બનાવાયેલા ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ હોવાનો તંત્રનો દાવો છે, તેવા સંજોગોમાં પાણી દૂષિત પહોંચે, તે તંત્રના ફિલ્ટરેશન પ્લાન્ટના દાવાની પોલ ખોલી નાખે છે.

3 દિવસથી લક્ષણ દેખાતા હતા
છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં પ્રશ્નો હતા, જે પ્રશાસનના ધ્યાને આવ્યા બાદ ત્રણેક દિવસથી સર્વે ચાલુ કર્યો હતો. જેમાં અનેક પરીવારોમાં સંખ્યાબંધ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ હોવાનું સામે આવી રહ્યુ હતુ. તે પછી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં ક્લોરીનની ગોળીઓ નાખવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ તંત્રએ કોલેરાનો એક કેસ દર્શાવી કોલેરેગ્રસ્ત જાહેર કર્યુ છે.

Most Popular

To Top