Charotar

નડિયાદ એટ્રોસીટી કેસમાં 11 આરોપીના જામીન નામંજૂર

જવાહરનગર વિસ્તારમાં દલિત યુવકો પર હુમલાનો મામલો,
નડિયાદ સેશન્સ કોર્ટે અને રાયોટીંગમાં શામેલ 11 આરોપીઓના જામીન નામંજૂર કર્યા


(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં કાઉન્સિલર પુત્ર અને તેના સાગરીતો દ્વારા 2 દલિત યુવકોને માર મારવામાં આવ્યો હતો. જાતિવાચક અપમાન કરી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, આ મામલે પોલીસે તમામ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા હતા. આ પૈકી પહેલા 9 અને બાદમાં 2 એમ કુલ 11 આરોપીઓએ જામીન અરજી મુકી હતી. આજે આ જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે તમામ 11 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે.
મળતી માહિતી મુજબ કાઉન્સિલર મીનાક્ષીબેન દાદલાણીના પુત્ર ગિરિશ દાદલાણી અને તેના સાળા ભાવેશ ગુરુ સહિત તેમના સાગરીતો દ્વારા જવાહરનગર વિસ્તારમાં રહેતા પ્રતિક સોલંકી અને અરૂણ સોલંકી પર તબક્કાવાર હુમલો કર્યો હતો અને અરૂણ સોલંકીને તો નિર્દયતા પૂર્વક માર માર્યો હતો. આ મામલે નડિયાદ ટાઉન મથકે ગિરિશ દાદલાણી, ભાવેશ ગુરુ, યુવરાજ ગુરુ, હિતેશ લાલવાણી, તરુણ શ્રીંગી, મુરલીધર ઉર્ફે ભાવેશ મગનાણી, હરીશભાઈ સુહદા, વિજય ઉર્ફે બીટુ ફાગવાણી, કરણ કેશવાણી, ગૌતમ સોની, નિલેશ ભગતાણી, મનીષ પુરુષવાણી, ભુષણકુમાર ઉર્ફે બંટી પેચ ફાગવાની સહિતના ઈસમો સામે એટ્રોસીટી અને રાયોટીંગની એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આ મામલે ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુ સિવાયના તમામ દ્વારા નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. જેની આજે સુનાવણી થતા મૂળ ફરીયાદી તરફે સરકારી વકીલ ધવલભાઈ બારોટ અને વીથ પ્રોસિક્યુશન દશરથ વાઘેલાએ આરોપીઓને જામીન ન આપવા માટે કોર્ટ સમક્ષ મજબૂત લેખિત અને મૌખિક દલિલો કરી હતી અને વાંધા અરજી રજૂ કરી હતી. તો આ તરફ પોલીસ દ્વારા પણ ઘટનાના સીસીટીવી રજૂ કરાયા હતા. આ તમામ બાબતો ધ્યાને રાખી સેશન્સ કોર્ટ દ્વારા 11 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે.

Most Popular

To Top