Charotar

નડિયાદ:શ્રેયસ ગરનાળુ ખાલી થતા પાલિકાની ટીમે ત્વરીત સફાઈ કરી પુનઃ કાર્યરત કર્યુ…


2 સ્થળને બાદ કરતા નડિયાદ શહેરના પાણી ઓસરી ગયા, રસ્તાઓ પર ફરી ટ્રાફિકનો અવાજ ગુંજ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.29
નડિયાદમાં 3 દિવસ સુધી વરસેલા મૂશળધાર 25 ઈંચ વરસાદથી ચોમેર જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. આ વચ્ચે નડિયાદ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા સતત વરસાદી પાણીના નિકાલના પ્રયત્ન ચાલી રહ્યા હતા. ગઈકાલે બપોર પછી નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરી ગયા હતા અને આજે વહેલી સવારે નડિયાદનું મુખ્ય શ્રેયસ ગરનાળુ પણ ખાલી કરી નાખવામાં પાલિકા પ્રશાસનને સફળતા મળી હતી. જે બાદ પાલિકાએ તાત્કાલિક અત્રે સફાઈ કરાવી અને પુનઃ અવર-જવર ચાલુ કરાવી હતી. જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.


નડિયાદ શહેરમાં ગોકળ આઠમથી નોમ અને ગઈકાલ સુધી અવિરત 25 ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે બપોરે થોડો ઉઘાડ નીકળ્યો હતો અને વરસાદે વિરામ લીધો હતો. જે બાદ સાંજ સુધી નડિયાદ શહેરના મુખ્ય માર્ગ ગણાતા દાંડી રૂટ પર સંતરામ રોડ, પારસ સર્કલ, વાણિયાવાડની આસપાસ સહિતના તમામ માર્ગો પરથી પાણી ઉતરી ગયા હતા. માત્ર શૈશવના ઢાળ અને વી.કે.વી. રોડ પર પાણી ઉતર્યુ નથી. જો કે, અત્રે આ પાણીનો જ્યાં નિકાલ થાય છે, તે સંતરામ મંદિરના પાછળના ભાગે ફિઝીયોથેરાપી વિભાગ તરફ જતી આ પાણીના નિકાલની લાઈનમાં ટેકનીકલ ખામી હોવાના કારણે પાણીના નિકાલમાં મોડુ થઈ રહ્યુ છે. આ તરફ શહેરના ચારેય ગરનાળા ભરાયેલા હતા, જેમાં શ્રેયસ ગરનાળામાં પમ્પીંગ થકી પાણીનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે અને આજે વહેલી સવારે શ્રેયસ ગરનાળુ આખુ ખાલી કરી નાખી અને નગરપાલિકા પ્રશાસન દ્વારા ત્યાં સફાઈ કરી અને રસ્તો પૂર્વરત કર્યો છે. જેના કારણે નડિયાદ પશ્ચિમ અને પૂર્વની પુનઃ એકવાર ટ્રાફિક શરૂ થઈ ગયો છે. આ તરફ ખોડીયાર ગરનાળુ અને વૈશાલી ગરનાળુ પણ અડધાથી વધારે ખાલી કરી નાખવામાં આવ્યુ છે. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ, પ્રમુખ કિન્નરીબેન શાહ, કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ દ્વારા સતત શહેરનું નીરીક્ષણ કરી અને તોફાની વરસાદથી સર્જાયેલી સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયત્નોને અંતે સફળતા મળી છે.

Most Popular

To Top