Charotar

નડિયાદમાં ITનો અભ્યાસ કરનારા આનંદ ઉકાણી હવે શહેરનો વહીવટ કરશે

અમરેલીના ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર આનંદ ઉકાણી નડિયાદ મનપાના બીજા ડે. કમિશ્નર બન્યા
ડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈની અમરેલી બદલી કરાઈ

નડિયાદ, તા.30
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 28 ઓક્ટોબર, 2025ના રોજ નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. આ જાહેર હિતના આદેશોમાં નડિયાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બદલી આપીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર એમ. દેસાઈની બદલી કરવામાં આવી છે. તેઓ હવે અમરેલી જિલ્લામાં ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર તરીકે નિમણૂંક અપાઈ છે. હવે તેમના સ્થાને મૂળ અમદાવાદના અને અમરેલીમાં ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર તરીકે ફરજ બજાવતા આનંદ ઉકાણીને નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર નિયુક્ત કરાયા છે. સરકારની આ બદલીના આદેશમાં પ્રથમ વખત રચાયેલી નડિયાદ મનપાના પ્રથમ ડે. કમિશ્નર બનેલા અને 10 મહિનાના ટુંકા કાર્યકાળમાં વારંવાર વિવાદમાં સપડાયેલા મહેન્દ્ર દેસાઈની બદલી કરી દેવામાં આવી છે. નડિયાદ મનપામાં હવે આનંદ ઉકાણી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર છે. તેઓ મૂળ અમદાવાદના છે અને પ્રથમ એન્જીનિયર બન્યા અને હૈદરાબાદ SEPમાં નોકરી કર્યા બાદ GPSC 2017માં ક્લીયર કરી હતી અને 16માં રેન્ક સાથે પાસ કરી છે. તેમનું મૂળ વતન તો સાવરકુંડલા, પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છે. આનંદ ઉકાણીએ નડિયાદ DDIT કોલેજમાંથી આઈ.ટી.નો અભ્યાસ કર્યો છે. ત્યારે નડિયાદમાં અભ્યાસ કરનારા આનંદ ઉકાણી હવે શહેરનો વહીવટ સંભાળશે.

Most Popular

To Top